Western Times News

Gujarati News

મહીસાગરની ધરા પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિજય હુંકાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા કરી હાકલ

(પ્રતિનિધિ)ગોધરા, મહીસાગર જિલ્લાના સંતરામપુર સ્થિત પ્રતાપપુરા મેદાન ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારાર્થે આયોજિત જનસભાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધી હતી. તેમણે સંતરામપુરની ભૂમિ પરથી ગોવિંદ ગુરુ અને માનગઢના વીરોને વંદન કર્યા હતા આ પ્રસંગે તેમણે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ‘વિકાસ’ એ માત્ર શબ્દ નથી રહ્યો, પરંતુ ગુજરાતના જન-જનની જીવનશૈલી બની ગયો છે.

મુખ્યમંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે ભાજપ સરકારની પારદર્શક નીતિઓને કારણે આજે ગુજરાતના ખૂણે-ખૂણે પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. ગામડે-ગામડે પાકા રસ્તા, વીજળી અને પાણીની સુવિધાઓ પહોંચી છે. તેમણે આરોગ્ય ક્ષેત્રે થયેલી ક્રાંતિ વિશે વાત કરતા કહ્યું કે,આજે ‘આયુષ્માન કાર્ડ’ મધ્યમ વર્ગની મજબૂત ઢાલ બન્યું છે.

મહીસાગર જિલ્લાના વિકાસનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સરકાર દ્વારા નવા બે તાલુકા કોઠંબા અને ગોધરની ભેટ આપવામાં આવતા વહીવટી પ્રક્રિયા સરળ બની છે અને વિકાસને નવી ગતિ મળી છે.

વધુમાં, જમીન વહીવટી સુધારણા અને નવી શરતની જમીનોને જૂની શરતમાં રૂપાંતરિત કરવાના નિર્ણયથી ખેડૂતો અને જમીન માલિકોને મોટી રાહત મળી છે. સરકાર તળાવો ભરીને જળ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી રહી છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે અંબાજીથી ઉમરગામ સુધીની આદિવાસી પટ્ટીમાં શાળાઓ અને કોલેજોનું માળખું તૈયાર કરીને શિક્ષણનો દીવો પ્રગટાવવામાં આવ્યો છે. સરકારનો મુખ્ય ધ્યેય છેવાડાના માનવી સુધી તમામ સરકારી યોજનાઓના લાભ પહોંચાડવાનો છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, જનતાનો અતૂટ વિશ્વાસ ભાજપ સાથે છે. અમારા કર્મઠ કાર્યકર્તાઓ સતત લોકોની વચ્ચે રહીને સેવા કરી રહ્યા છે. તેમણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડી ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવા જનતાને આહવાન કર્યું હતું.

આ જનસભામાં જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારીયા, દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર, મોરવા હડફના ધારાસભ્ય નિમીષાબેન સુથાર, પૂર્વ સાંસદો, ધારાસભ્યો, સંગઠનના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જનસભા પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીએ સંતરામપુર નવા રામદ્વારા ખાતે જિલ્લા શ્રેષ્ઠીઓ સાથે પ્રેરક સંવાદ સાધ્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.