Western Times News

Gujarati News

ચારધામ યાત્રાના પ્રથમ દિવસે જ બે શ્રદ્ધાળુઓના કરુણ મોત

ઉત્તરકાશી, ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના પ્રારંભિક દિવસે જ બે શ્રદ્ધાળુઓના મોતની કરુણ ઘટનાઓ બની છે. આ બંને દુર્ઘટનાઓ ઉત્તરકાશી જિલ્લામાં યમુનોત્રી ધામના માર્ગ પર બની હતી.

જેમાં મધ્યપ્રદેશથી પોતાના પતિ સાથે યાત્રા પર આવેલી એક મહિલા શ્રદ્ધાળુનું ઘોડા પરથી પડી જવાને કારણે મોત નીપજ્યું હતું, જ્યારે મહારાષ્ટ્રના એક વૃદ્ધનું ચઢાણ દરમિયાન તબિયત લથડતા નિધન થયું હતું.

યમુનોત્રી પગપાળા માર્ગ પર અકસ્માતનો ભોગ બનેલી મહિલાની ઓળખ ૪૦ વર્ષીય પ્રતિમા મિશ્રા તરીકે થઈ છે, જેઓ મધ્યપ્રદેશના ઈન્દોરના રહેવાસી હતા. મળતી માહિતી મુજબ, યાત્રા દરમિયાન પ્રતિમાબેન ઘોડા પરથી અચાનક નીચે પટકાયા હતા, જેના કારણે તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને ‘મૃત જાહેર’ કર્યા હતા.

બીજી ઘટનામાં, મહારાષ્ટ્રના નાસિકથી આવેલા ૬૭ વર્ષીય વૃદ્ધ શ્રદ્ધાળુ ઉદમ તામ્બેની પગપાળા ચઢાણ દરમિયાન અચાનક તબિયત બગડી હતી. ચઢાણ ચઢતી વખતે તેમને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ પડી હતી. તેમને તુરંત જાનકીચટ્ટી સ્થિત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરો તેમને બચાવી શક્યા ન હતા. વહીવટીતંત્ર દ્વારા યાત્રીઓને સાવચેતી રાખવા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.