Western Times News

Gujarati News

શેરબજારમાં ૨૫ લાખનું નુકસાન થતાં જામનગરના યુવાનનો આપઘાત

જામનગર, જામનગર શહેરમાં શેરબજારમાં થયેલા મોટા આર્થિક નુકસાનને કારણે એક યુવાને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. શહેરના રાજપાર્ક વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય યુવાને શેરબજારના દેવા અને માનસિક તણાવના કારણે ઝેરી દવા પીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી.

આ બનાવ અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર, રાજપાર્ક વિસ્તારમાં ડિવાઇન હોસ્પિટલ પાછળ રહેતા દેવાંગભાઈ પ્રવીણભાઈ પોપટ (ઉં.૩૫) છેલ્લા છ મહિનાથી શેરબજારમાં ટ્રેડિંગનું કામ કરતા હતા. શેરબજારમાં સતત ખોટ જવાથી તેમને આશરે ૨૫ લાખ રૂપિયાનું માતબર નુકસાન થયું હતું.

આ આર્થિક નુકસાનને ભરપાઈ ન કરી શકવાને કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવમાં રહેતા હતા.ગત ૭ એપ્રિલના રોજ સાંજે લગભગ ૪ઃ૩૦ વાગ્યે જ્યારે દેવાંગભાઈ પોતાના ઘરે હાજર હતા, ત્યારે તેમણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

બનાવની જાણ થતા જ પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ૧૩ દિવસની સતત સારવાર બાદ ગઈકાલે તેમનું સારવાર દરમિયાન અવસાન થયું હતું.આ બનાવ અંગે પરિવારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શેરબજારમાં થયેલા મોટા નુકસાનના બોજ હેઠળ તેઓ દબાયેલા હતા અને આ ચિંતામાં જ તેમણે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.