ટ્રકે રસ્તાની બાજુમાં ઉભેલી ખાનગી સ્કૂલ બસને પાછળથી જોરદાર ટક્કર મારી: 10 બાળકો ઘાયલ
રાજસ્થાનના બાડમેર જિલ્લામાં હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બાયતુ વિસ્તારમાં એક પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે રસ્તાની બાજુમાં ઉભેલી ખાનગી સ્કૂલ બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 10 બાળકો ઘાયલ થયા છે, જે પૈકી 9 બાળકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટનાની વિગત મુજબ, બાયતુ-જોધપુર હાઈવે પર આવેલી એક ખાનગી શાળાની બસ સવારના સમયે બાળકોને ઘરેથી લેવા માટે ઉભી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલા બેકાબૂ ટ્રકે સ્થિર ઉભેલી બસને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસના પાછળના ભાગનો કુરચો બોલી ગયો હતો અને અંદર બેઠેલા બાળકોમાં ચીસાચીસ મચી ગઈ હતી.
અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા બાળકોને બહાર કાઢી બાયતુની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પ્રાપ્તથતી માહિતી અનુસાર 9 બાળકોને ગંભીર ફ્રેક્ચર અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હોવાથી તેમને વધુ સારવાર માટે જોધપુર રિફર કરવામાં આવ્યા છે. જો કે અકસ્માતની જાણ થતા જ તાત્કાલિક ધોરણે વાલીઓના ટોળા હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા અને તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. ભાજપના નેતા બલરામ મુંધે પણ હોસ્પિટલની મુલાકાત લઈ બાળકોના હાલચાલ જાણ્યા હતા અને શ્રેષ્ઠ સારવાર આપવા તબીબોને સૂચના આપી હતી. પોલીસ હાલ ટ્રક ચાલકની બેદરકારી તેમજ સ્કૂલ બસના ફિટનેસ સર્ટિફિકેટ અને પરમિટની તપાસ કરી રહી છે.
