Western Times News

Gujarati News

મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર: 11ના મોત

મિર્ઝાપુર-રીવા રાષ્ટ્રીય રાજમાર્ગ પર બેકાબૂ બનેલા ટ્રકે એક સ્વિફ્ટ કારને અડફેટે લીધી અને ત્યારબાદ સામેથી આવતા એક ટ્રક સાથે ધડાકાભેર અથડાયો હતો

લખનૌ,  ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં બુધવારની રાત્રે એક કાળજું ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે, જેમાં માસૂમ બાળક સહિત કુલ ૧૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મિર્ઝાપુર-રીવા રાષ્ટ્રીય રાજમાર્ગ પર ડ્રમડગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેકાબૂ બનેલા ટ્રેલરે હસતા-રમતા પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી દીધી હતી.

રાત્રે આશરે સાડા નવ વાગ્યાના સુમારે મધ્યપ્રદેશથી કપચી ભરીને આવી રહેલા એક ટ્રેકની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ હતી. ઢાળ પર ટ્રકએ કાબૂ ગુમાવતા તેણે પહેલા એક સ્વિફ્ટ કારને અડફેટે લીધી અને ત્યારબાદ સામેથી આવતા એક ટ્રક સાથે ધડાકાભેર અથડાયો હતો. આ જ સમયે પાછળથી આવી રહેલી એક બોલેરો કાર સીધી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બોલેરોમાં જોતજોતામાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

આ દુર્ઘટનામાં સૌથી વધુ નુકસાન બોલેરોમાં સવાર પરિવારને થયું હતું. બોલેરોમાં આગ લાગતા ડ્રાઈવર સહિત તેમાં સવાર તમામ ૯ લોકો અંદર જ ફસાઈ ગયા હતા અને જોતજોતામાં તમામ જીવતા ભૂંજાયા હતા. મૃતકોમાં ૮ વર્ષનો બાળક, તેની માતા અને અન્ય મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્વિફ્ટ કારના ડ્રાઈવર અને ટ્રકના ક્લીનરનું પણ મોત નીપજ્યું છે. આ તમામ લોકો જીગ્ના વિસ્તારના નરૈના ગામના રહેવાસી હતા અને મધ્યપ્રદેશના મૈહર ખાતે દીકરાનું મુંડન કરાવીને ખુશી-ખુશી ઘરે પરત ફરી રહ્યા હતા.

પોલીસ અધિક્ષક અપર્ણા રજત કૌશિકે ઘટનાસ્થળે પહોંચીને માહિતી મેળવી હતી. તેમણે અકસ્માતમાં ૧૧ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, બુધવારે એક અનિયંત્રિત ટ્રક દ્વારા અનેક વાહનોને ટક્કર મારવાની સૂચના મળી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ટીમે જણાવ્યું કે, એક અનિયંત્રિત ટ્રકે બોલેરો, એક કાર અને એક કન્ટેનરને પાછળથી ટક્કર મારી દીધી છે,

જેના કારણે બોલેરો કારમાં ભીષણ આગ લાગી ગઈ છે અને કારમાં સવાર ૬ લોકોના જીવતા સળગી જવાથી મોત થયા છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અકસ્માતના કારણોની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રકની અનિયંત્રિત ગતિ અને સંભવિત રીતે ચાલકની બેદરકારી આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બની છે.

પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, અકસ્માતમાં ટ્રક ચાલક સહિત અનેક લોકો ઘાયલ પણ થયા છે, જેમને સ્થાનિક લોકો અને પોલીસની મદદથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે, પરંતુ બોલેરોમાં સવાર તમામ લોકોની સ્થિતિ એટલી ગંભીર હતી કે તેમનો જીવ ન બચાવી શકાયો. મૃતકોના પરિવારજનોને અકસ્માત અંગે જાણ કરી દેવામાં આવી છે અને તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આગ એટલી ભયાનક હતી કે કોઈને પણ બહાર કાઢવાની તક મળી નહોતી. ઘટનાની જાણ થતા જ એસપી અપર્ણા રજત કૌશિક અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. એક માસૂમ દીકરાનું મુંડન કરાવીને ઘરે પરત ફરતા આખા પરિવારનો આ રીતે કરુણ અંત આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.