Western Times News

Gujarati News

અમેરિકી સંસદમાંથી યુદ્ધ ચાલુ રાખવાની મંજૂરી નહીં મળે તો ઈરાનમાંથી સેના પાછી બોલાવવી પડશે

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે ૧ મેની તારીખ અત્યંત નિર્ણાયક બની ગઈ છે. ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ જંગના ૬૦ દિવસ પૂર્ણ થવા જઈ રહ્યા છે.

આ પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મુશ્કેલી એ છે કે જો તેમને અમેરિકી સંસદ (કોંગ્રેસ) તરફથી યુદ્ધ ચાલુ રાખવાની મંજૂરી નહીં મળે, તો તેમણે ઈરાનમાંથી પોતાની સેના પાછી બોલાવવી પડશે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ૧૯૭૩ના જૂના કાયદા ‘વોર પાવર્સ રેઝોલ્યુશન’ને કારણે ટ્રમ્પ પર દબાણ વધી રહ્યું છે.

અમેરિકી કાયદા મુજબ, રાષ્ટ્રપતિ સંસદની મંજૂરી વગર માત્ર ૬૦ દિવસ સુધી જ સેનાને યુદ્ધમાં રાખી શકે છે. અમેરિકાએ ૨૮ ફેબ્રુઆરીએ ઈઝરાયેલ સાથે મળીને ઈરાન પર હુમલો કર્યો હતો, જેની જાણકારી ૨ માર્ચે સંસદને આપવામાં આવી હતી. આ હિસાબે ૬૦ દિવસની કાનૂની સમયમર્યાદા ૧ મેના રોજ સમાપ્ત થાય છે. જો આ ડેડલાઈન સુધીમાં સંસદમાં યુદ્ધ ચાલુ રાખવા માટે મતદાન દ્વારા મંજૂરી ન મળે, તો સૈન્ય કાર્યવાહી ગેરબંધારણીય ગણાશે.

અત્યાર સુધી રિપબ્લિકન પાર્ટી ટ્રમ્પના નિર્ણયો સાથે મજબૂત રીતે ઊભી હતી, પરંતુ હવે કેટલાક સાંસદોના સૂર બદલાવા લાગ્યા છે. યુટાના સીનેટર જોન કર્ટિસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ સંસદીય મંજૂરી વગર સૈન્ય કાર્યવાહી ચાલુ રાખવાના પક્ષમાં નથી. હાઉસ ફોરેન અફેર્સ કમિટીના અધ્યક્ષ બ્રાયન માસ્ટે પણ ચેતવણી આપી છે કે ૧ મે પછી વોટિંગના સમીકરણો બદલાઈ શકે છે. આ સંકેતો ટ્રમ્પ માટે જોખમી છે કારણ કે સંસદમાં બહુમતી સાબિત કરવી હવે મુશ્કેલ જણાઈ રહી છે.

રાષ્ટ્રપતિ પાસે અત્યારે બે જ રસ્તા છે: કાં તો તેઓ સંસદ સમક્ષ મંજૂરી માટે અપીલ કરે અથવા સેના પાછી ખેંચવાની જાહેરાત કરે. જો સંસદ મંજૂરી ન આપે, તો સેનાની સુરક્ષિત વાપસી માટે કાયદા હેઠળ ૩૦ દિવસનો વધારાનો સમય મળી શકે છે, પરંતુ આ સમયગાળા દરમિયાન ઈરાન પર કોઈ નવા હુમલા કરી શકાશે નહીં.

યુએસએસ બુશ જેવા ૯૦ ફાઈટર જેટ ધરાવતા યુદ્ધજહાજો ઈરાન સરહદે તૈનાત હોવા છતાં, કાયદાકીય મર્યાદા ટ્રમ્પના હાથ બાંધી શકે તેમ છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે એ જોવાનું રહેશે કે ૧ મે પહેલા અમેરિકા કોઈ રાજદ્વારી સમજૂતી કરે છે કે પછી સૈન્ય પીછેહઠની ફરજ પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.