“પહેલા ફેઝમાં દીદીના ગુંડાઓ ઘરની બહાર નીકળ્યા નથી બીજા ફેઝમાં પણ બહાર ન નીકળતા, નહીં તો ઉલ્ટા લટકાવીને સીધા કરી દઈશું”
File
પશ્ચિમ બંગાળમાં તોફાની તત્ત્વોને અમિત શાહની ચીમકી
(એજન્સી)નવી દિલ્હી, પશ્ચિમ બંગાળમાં ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન થયું. આ વખતે મતદાને બધા રેકોર્ડ તોડ્યા છે કારણ કે ૯૨ ટકા આસપાસ મતદાન થયું છે. બંપર મતદાનથી ભાજપ ખુબ ઉત્સાહિત છે. મતોની ટકાવારીના વધારામાં જીત નજરે ચડી રહી છે.
આ જ કારણ છે કે અમિત શાહના સૂરમાં પણ ધમકી રેલાઈ રહી છે. એક રોડ શો દરમિયાન અમિત શાહે કહ્યું કે પહેલા ફેઝમાં દીદીના ગુંડાઓ ઘરની બહાર નીકળ્યા નથી. હું ગુંડાઓને કહું છું કે બીજા ફેઝમાં પણ બહાર ન નીકળતા નહીં તો ૪ મે બાદ ઉલ્ટા લટકાવીને સીધા કરી દઈશું. અત્રે જણાવવાનું કે વિધાનસભા ચૂંટણીના પરિણામ ૪ મેના રોજ આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં મધ્યમગ્રામમાં એક રોડનું નેતૃત્વ કર્યું. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસની સરકારનું પતન નજીક છે. શાહે એક સજેલા વાહન પરથી જેસ્સોર રોડની બંને બાજુ ઊભેલા લોકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું. અનેક લોકોએ નારંગી અને કેસરી રંગના ફુગ્ગા તથા કમળના ફૂલ પકડી રાખ્યા હતા.
પોતાના ફેસબુક એકાઉન્ટ પર ભીડની તસવીર શેર કરતા અમિત શાહે કહ્યું કે મધ્યમગ્રામમાં રોડ શોમાં આ ભગવો રંગ બંગાળમાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચારનો આક્રોશ છે. બદલો છે. તૃણમૂલ કોંગ્રેસ જઈ રહી છે. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીનો સૂરજ ડૂબી ગયો છે.
