Western Times News

Gujarati News

ખેડા જિલ્લામાં અતિસંવેદનશીલ મત વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લામાં આગામી ૨૬ એપ્રિલ રવિવારના રોજ શાંતિપૂર્ણ અને સુરક્ષિત મતદાન પ્રક્રિયા યોજાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા જિલ્લાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મત વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.

જેમાં જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને પોલીસ અધિક્ષક વિજય પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં ખેડા તાલુકાના ચાદંણા અને માતરના ઊંઢેલા ગામે ફૂટ પેટ્રોલિંગ કરીને મતદારોને મહત્તમ મતદાન કરવા તેમજ મતદારોને સુરક્ષિત માહોલ પૂરુ પાડવાનો સંદેશો પાઠવ્યો હતો.

આ પ્રસંગે કલેક્ટરશ્રીએ મતવિસ્તારની બાબતો થી વાકેફ થઈ ચુસ્ત નિયમો અનુસાર ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવા સુચના આપી હતી. તથા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં હાલ કાર્યરત પોલીસ તથા વહીવટી તંત્રના કર્મયોગીઓને સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મત વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવા પણ જણાવ્યું.

આ તકે પ્રાંત અધિકારી સુરજ બારોટ, નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ રાઠોડ, પોલીસ ઈન્સપેક્ટર વસંત દેસાઈ સહિત પોલીસ વિભાગના ૫૦ જેટલા અધિકારીઓ અને વહીવટી તંત્રના કર્મયોગીઓ ફૂટ પેટ્રોલિંગમાં સહભાગી બન્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.