ડ્રોન એટેકના જવાબમાં લેબેનોનમાં ઈઝરાયલે વરસાવ્યો કહેર, ૧૪ લોકોના મોત
નવી દિલ્હી, ઇઝરાયલ અને લેબનાન વચ્ચે ૧૬ એપ્રિલથી અમલી બનેલા નાજુક સીઝફાયરનો ભંગ થયો છે. હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં એક ૧૯ વર્ષીય ઇઝરાયલી સૈનિકનું મોત થયું હતું, જેના જવાબમાં ઇઝરાયલી વાયુસેનાએ દક્ષિણ લેબનાનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ભીષણ હવાઈ હુમલા શરૂ કર્યા હતા.
જેમાં ૧૪ લોકોના મોતની માહિતી સામે આવી છે. ઇઝરાયલી વાયુસેનાએ લેબેનોન તરફથી છોડવામાં આવેલા હિઝબુલ્લાહના ત્રણ ડ્રોનને સરહદ ઓળંગે તે પહેલા જ હવામાં તોડી પાડ્યા હતા.
આ ડ્રોન વેસ્ટર્ન ગલીલી વિસ્તારમાં ટ્રેક કરવામાં આવ્યા હતા. દક્ષિણ લેબનાનમાં તૈનાત ઇઝરાયલી સૈનિકો પર હિઝબુલ્લાહના ડ્રોન હુમલામાં એક સૈનિક શહીદ થયો છે અને અન્ય છ સૈનિકો ઘાયલ થયા હોવાની આર્મીએ પુષ્ટિ કરી છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસએ દક્ષિણ લેબનાનના અનેક ગામોના રહેવાસીઓને તાત્કાલિક સ્થળ ખાલી કરવાની ચેતવણી આપી છે. આઈડીએફએ હિઝબુલ્લાહના એવા ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે જ્યાંથી ઇઝરાયલી સૈનિકો પર હુમલા કરવામાં આવતા હતા.ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સરકારી બેઠકમાં જણાવ્યું હતું કે, “હિઝબુલ્લાહની હરકતો સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે.
આઈડીએફ લેબનાનમાં સંપૂર્ણ તાકાત સાથે કાર્યરત છે અને કોઈપણ હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે.” ઉલ્લેખનીય છે કે, ગત ગુરુવારે જ સીઝફાયરને ત્રણ અઠવાડિયા માટે વધારવામાં આવ્યું હતું, જેમાં ઇઝરાયલ પાસે આત્મરક્ષણ માટે હુમલો કરવાનો અધિકાર સુરક્ષિત રાખવામાં આવ્યો છે.
ઈરાન અને અમેરિકા વચ્ચેના વધતા તણાવ વચ્ચે લેબનાન સરહદે શરૂ થયેલી આ હિંસા મધ્ય પૂર્વમાં શાંતિના પ્રયાસોને મોટો ફટકો મારી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના કડક આદેશો અને ઈરાનની નાકાબંધી બાદ આ વિસ્તારમાં યુદ્ધની જ્વાળાઓ ફરી ભડકે તેવી આશંકા સેવાઈ રહી છે.SS1MS
