Western Times News

Gujarati News

રાંધણ ગેસ પુરવઠો સામાન્ય: એક જ દિવસમાં ૫૧.૮ લાખ સિલિન્ડર અપાયા

નવી દિલ્હી, દેશમાં રાંધણ ગેસ (એલપીજી)નો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય હોવાના અહેવાલ છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા રવિવારે બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, શનિવારે એક જ દિવસમાં દેશભરમાં ૫૧.૮ લાખથી વધુ ઘરેલું એલપીજી સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવી છે.

રિટેલ વિતરકો પાસે ગેસની કોઈ અછત નથી.મંત્રાલયના જણાવ્યા મુજબ, માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં ૫.૪૫ લાખ નવા પાઇપ્ડ નેચરલ ગેસ(પીએનજી) કનેક્શન કાર્યરત કરવામાં આવ્યા છે અને વધારાના ૨.૬૨ લાખ કનેક્શન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે. ખાસ વાત એ છે કે, ૪૨,૫૦૦ થી વધુ ગ્રાહકોએ સ્વેચ્છાએ તેમના એલપીજી કનેક્શન સમર્પિત કર્યા છે.

કાળાબજાર રોકવા માટે ઓનલાઇન બુકિંગમાં ૯૮ ટકાનો વધારો થયો છે, જ્યારે ઓથેન્ટિકેશન કોડ(ઓટીપી) આધારિત ડિલિવરી ૯૪ ટકા સુધી પહોંચી છે.ભૌગોલિક રાજકીય તણાવ અને હોર્મુઝ જળમાર્ગ બંધ થવા જેવી સ્થિતિ છતાં, સરકારે ઘરેલું ગેસ પુરવઠાને પ્રાથમિકતા આપી છે.

આ દરમિયાન સંગ્રહખોરી અને કાળાબજાર રોકવા માટે દેશભરમાં ૨,૧૦૦ થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. સરકારી તેલ કંપનીઓએ નિયમોના ઉલ્લંઘન બદલ ૩૧૦ વિતરકોને દંડ ફટકાર્યાે છે અને ૭૦ એજન્સીઓ સસ્પેન્ડ કરી છે.

તમામ રિફાઇનરીઓ ઉચ્ચ ક્ષમતા પર કાર્યરત છે અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. સરકારે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાટમાં આવીને ખરીદી ન કરવાની સલાહ આપી છે. ગ્રાહકોને વિતરકોની મુલાકાત લેવાને બદલે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.