સંબંધ પરસ્પર સંમતિથી બંધાયા હોય તો ગુનો ક્યાં?: સુપ્રીમ
નવી દિલ્હી, સંબંધ પરસ્પર સંમતિથી બંધાયા હોય ત્યારે ગુનાનો સવાલ જ ક્યાં છે? એવો અળિયાણો સવાલ સુપ્રીમ કોર્ટે ફરિયાદ કરનારી મહિલાને કર્યાે હતો. ખોટા લગનના વચન આપીને કથિતરીતે જાતીય સતામણીનો કેસ આ મહિલાએ પોતાના લિવ-ઇન પાર્ટનર સામે કર્યાે હતો. જેને મધ્યપ્રદેશ હાઇકોર્ટે રદ કરી દીધો હતો. એ પછી આ મહિલાએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારતાં સુપ્રીમે આ વેધક ટકોર કરી હતી.
જસ્ટિસ બી વી નાગરત્ન અને જસ્ટિસ ઉજ્જલ ભુયનની બેન્ચે નોંધ્યું હતું કે આ મહિલા આ પુરુષ સાથે રહેતી હતી અને તેનાથી તેને એક બાળક પણ છે. હવે લગ્ન ન થતાં તો જાતીય હુમલાનો મામલો ક્યાંથી આવ્યો તેવો સવાલ કરીને જસ્ટિસ નાગરત્ને કહ્યું હતું કે આ બન્ને ૧૫ વર્ષથી એકસાથે રહ્યા હતા.
મહિલાના વકીલે કોર્ટને જણાવ્યું કે મહિલાના પતિનું અવસાન થયા બાદ તેના બનેવીએ તેમની ઓળખાણ આરોપી સાથે કરાવી હતી. આરોપીએ તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને તેનું જાતીય શોષણ કર્યું હતું.ત્યારબાદ જસ્ટિસ નાગરત્ને પૂછ્યું કે, લગ્ન પહેલા તે તેની સાથે રહેવા કેમ ગઈ?, તે તેની સાથે રહી હતી. તેને તેનાથી એક બાળક પણ છે. લગ્નનું બંધન ન હોવાને કારણે તે છોડીને જતો રહ્યો હતો.
કાયદેસરનું બંધન ત્યાં નથી. તે છોડીને જતો રહે છે, લિવ-ઇન રિલેશનશિપમાં આ જોખમ રહેલું જ છે. તેથી, એકવાર તે છોડીને જતો રહે, તો તે ગુનાહિત કૃત્ય બનતું નથી.
મહિલાના વકીલે રજૂઆત કરી કે આરોપી પહેલેથી જ પરિણીત હતો અને તેણે આ હકીકત છુપાવી હતી. જસ્ટિસ નાગરત્ને ઉમેર્યું કે, “જુઓ, જો લગ્ન થયા હોત તો તેના અધિકારોનો પ્રશ્ન વધુ સ્પષ્ટ હોત. તે દ્વિપત્નીત્વ અંગે ફરિયાદ કરી શકી હોત. તે ભરણપોષણ માટે દાવો કરી શકી હોત. તેને તે રાહત મળી હોત. હવે જ્યારે લગ્ન જ નથી અને તેઓ સાથે રહે છે, તો આ જોખમ છે. તે ગમે ત્યારે છોડીને જઈ શકે છે.
આપણે શું કરી શકીએ?”મહિલા બાળકના ભરણપોષણ જેવી કાયદેસરના ઉપાયો અપનાવી શકે છે તેમ જણાવતાં તેમણે પક્ષકારોને મધ્યસ્થતા માટેની કાર્યવાહી કરવાની સલાહ આપી હતી. જસ્ટિસ નાગરત્ને વધુમાં કહ્યું કે, “ભલે તે જેલમાં જાય, તો તેને શું ફાયદો થશે? આપણે બાળકના ભરણપોષણ વિશે વિચારી શકીએ છીએ. બાળક અત્યારે સાત વર્ષનું છે.
ઓછામાં ઓછું, બાળક માટે થોડું આર્થિક વળતર મળી શકે છે.”સર્વાેચ્ચ અદાલતે આ બાબતે નોટિસ જારી કરી હતી અને પક્ષકારોને અરજદાર અને આરોપી વચ્ચે સમાધાન થઈ શકે છે કે કેમ તે તપાસવા કહ્યું હતું.SS1MS
