Western Times News

Gujarati News

તું મને કોઈ વાતમાં ગણતો નથી કહીને બે મિત્રોએ મિત્ર પર ચપ્પાના ઘા ઝીંક્યા

અમદાવાદ, ગોમતીપુરમાં નજીવી બાબતે ધારદાર હથિયારો વડે એકબીજા પર હુમલા કરવાના હિંસક બનાવો સામાન્ય બનવા લાગ્યા છે. તેવામાં ખાટલામાં સુઈ રહેલા યુવક પર તેના જ બે મિત્રોએ ચપ્પાના ઘા ઝીંકીને લોહીલુહાણ કર્યાે હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ મામલે યુવકે તેના જ બે મિત્રો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.ગોમતીપુર વિસ્તારમાં આવેલી વડલાવાળી ચાલીમાં પરિવાર સાથે રહેતો ૩૪ વર્ષીય પ્રશાંત ઉર્ફે પરમાર રવિવારના રોજ ઘરની નજીક પન્ના ગલ્લા પાસે ખાટલામાં સુતો હતો.

ત્યારે તેના બે મિત્રો કારણ ઉર્ફે છોટે પરમાર અને બ્રિજેશ ઉર્ફે ટેહું આવ્યા અને યુવકને ઊંઘમાં જગાડીને કહેવા લાગ્યા કે ‘તું અમને કોઈ વાતમાં ગણતો કેમ નથી કે કોઈ વાતમાં મને બોલાવતો કેમ નથી” કહીને ગાળો બોલવા લાગ્યા હતા.

યુવકે તેના બંને મિત્રોને સમજાવ્યા કે ગાળો બોલશો નહીં પરંતુ તેઓ માન્યા નહીં અને વધુ ઝઘડો કરવા લાગ્યા, ગાળો બોલવા લાગ્યા અને આવેશમાં આવીને યુવકને લાફો મારતા તેણે બંને મિત્રોને ધક્કો મારીને દૂર ધકેલી દીધા હતા. એટલામાં જ આરોપી બ્રિજેશે પ્રશાંતના બંને હાથ પકડી રાખ્યા અને એટલામાં કરણ ઉફે છોટે પરમાર તેની પાસે રહેલી ધારદાર છરી કાઢીને તેના મિત્ર એવા પ્રશાંતના પાંસળીઓમાં ઘોપી દીધી હતી.

છરી વાગવાથી યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢસડાઈ પડયો ત્યારે બંને આરોપીએ ભેગા મળીને લાતો અને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન બૂમાબૂમ થતા ઈજાગ્રસ્ત યુવકના બે મિત્રો આવી પહોંચતા બંને આરોપીઓ નાસી છૂટ્યા હતા.

ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં પ્રશાંતને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તેણે સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા ગોમતીપુર પોલીસે કરણ ઉર્ફે છોટે પરમાર અને બ્રિજેશ ઉર્ફે ટેહું વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.