Western Times News

Gujarati News

ચાની કીટલી ચલાવતા મહિલા ચૂંટણી જીત્યાઃ હવે કિટલી જ બનશે મારી ઓફિસઃ ગીતાબેન

ભાજપે મારા જેવી સામાન્ય મહિલા પર વિશ્વાસ મુક્્યો તે મારા માટે ગૌરવની વાત છે.

ગીતાબેન પાટણવાડીયા નપાની ચૂંટણીમાં જીત્યા છે-મારી ચાની કીટલી જ મારી ઓફિસ બનશેઃ ગીતાબેન પાટણવાડીયા

(એજન્સી) નર્મદા, રાજપીપળાના ઇતિહાસમાં ભાજપે જીતનો નવો અધ્યાય લખ્યો છે. ત્યારે રાજપીપળા નગરપાલિકામાં ભાજપના એક ચાની કીટલી ચલાવતા ગીતાબેન પાટણવાડીયાએ જીત મેળવી છે. જીત બાદ ગીતાબેન અને તેમની આસપાસના લોકોનો ઉત્સાહ સમાતો ન હતો.

સામાન્ય જનજીવન સાથે જોડાયેલા આ બહેનને જ્યારે ભાજપે ઉમેદવાર બનાવ્યા ત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ગીતાબેન પાટણવાડીયાએ ઘરેઘરે જઈને જનતા સાથે સીધો સંપર્ક સાધ્યો હતો.

પોતાની સાદગી, મહેનત અને લોકો સાથેના લાગણીસભર સંબંધને કારણે તેઓ ઝડપથી મતદારોના મનમાં સ્થાન બનાવી શક્્યા. મતદાન બાદ પરિણામ જાહેર થતાં જ ગીતાબેન પાટણવાડીયા વિજેતા જાહેર થયા અને તેમની ખુશીનો પાર રહ્યો નહીં.

જીત બાદ ગીતાબેન પાટણવાડીયાએ જણાવ્યું હતું કે, “આ જીત મારી નથી, આ વિસ્તારના દરેક નાગરિકની જીત છે. ભાજપે મારા જેવી સામાન્ય મહિલા પર વિશ્વાસ મુક્્યો તે મારા માટે ગૌરવની વાત છે.

મેં આ લારીને કારણે મારા બાળકોને મોટા કર્યા છે અને આ ચાની કીટલી પરથી જ મારું જીવન ચલાવ્યું છે. હવે હું ચાની કીટલીને જ મારી ઓફિસ બનાવીશ અને અહીંથી જ કામ કરીશ.”

હાલમાં ગીતાબેન પોતાના રોજગાર માટે ચલાવતા ચાની કીટલીના ધંધાને ચાલુ રાખશે અને સાથે સાથે હવે તેઓ ચાની કીટલીથી જ નાનું કાર્યાલય પણ શરૂ કરશે. આ કાર્યાલય દ્વારા તેઓ વિસ્તારના નાગરિકોની સમસ્યાઓ સાંભળી તેનું નિવારણ લાવવા માટે પ્રયત્નશીલ રહેશે.

સ્થાનિક રહીશોએ પણ ગીતાબેનના આ પ્રયાસને બિરદાવી રહ્યા છે. આજુબાજુના લોકોનું માનવું છે કે, એક સામાન્ય પરિવારથી આવતી અને મહેનત કરીને જીવન ચલાવતી બહેન જ્યારે પ્રજાના પ્રતિનિધિ બને છે ત્યારે તે જનતાની વાસ્તવિક સમસ્યાઓ વધારે સારી રીતે સમજી શકે છે.

રહીશોએ આશા વ્યક્ત કરી છે કે, ગીતાબેન વિસ્તારમાં રોડ, પાણી, સફાઈ, લાઈટ, ગટર જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારો લાવવા માટે અસરકારક કામગીરી કરશે.

આ ચૂંટણીમાં ગીતાબેન પાટણવાડીયાની જીતને લોકો “સામાન્ય માણસના પ્રતિનિધિની જીત” તરીકે પણ જોઈ રહ્યા છે. ભાજપે મહિલાને આગળ લાવી એક ઉદાહરણ ઉભું કર્યું છે કે, મહેનત અને વિશ્વાસ હોય તો સામાન્ય જીવન જીવતી વ્યક્તિ પણ જનસેવા માટે મોટું સ્થાન મેળવી શકે છે.

હવે સમગ્ર શહેરની નજર ગીતાબેનના કાર્ય પર છે અને લોકો આશા રાખી રહ્યા છે કે તેઓ વિકાસકાર્યોને આગળ ધપાવી રાજપીપળા શહેરને વધુ સુવિધાસભર અને સ્વચ્છ બનાવવા મહત્વની ભૂમિકા ભજવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.