હોટેલના બાથરૂમમાં મહિલા ખેલાડીઓનો વીડિયો બનાવ્યો
કોલંબો, શ્રીલંકા ક્રિકેટ જગતમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં અંડર-૧૯ મેન્સ ટીમના બે ખેલાડીઓએ અભદ્રતાની તમામ હદો પાર કરી દીધી છે. આ બંને યુવા ક્રિકેટરો પર હોટલના બાથરૂમમાં મહિલા ખેલાડીઓનો વાંધાજનક વીડિયો બનાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
કોલંબોની એક હોટલમાં રોકાયેલી મહિલા ખેલાડીઓએ ફરિયાદ કરી હતી કે બાથરૂમમાં મોબાઈલ ફોન દ્વારા તેમનો વીડિયો ઉતારવામાં આવ્યો છે. આ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરતા ચાલુ સપ્તાહની શરૂઆતમાં બંને ક્રિકેટરોની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ખેલાડીઓને અલુથકાડે મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
કોર્ટે બંને ખેલાડીઓને ૫ લાખ શ્રીલંકન રૂપિયાના જામીન પર મુક્ત કર્યા છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ વીડિયો સોશિયલ મીડિયા કે અન્ય કોઈ પ્લેટફોર્મ પર ઓનલાઈન શેર કરવામાં આવ્યા છે કે નહીં. આ કેસની આગામી સુનાવણી ૨૫મી મેના રોજ હાથ ધરવામાં આવશે.આ ઘટના એવા સમયે બની છે જ્યારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પોતે આંતરિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા ૪૮ કલાકમાં બોર્ડમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે.
સરકારી દબાણને કારણે એસએલસીના વડા અને અન્ય સભ્યોએ સામૂહિક રાજીનામું આપ્યું છે. જૂના અધિકારીઓને દૂર કરી મામલો ઉકેલવા માટે એક ‘પરિવર્તન સમિતિ’ની રચના કરવામાં આવી છે.બોર્ડ દ્વારા હજુ સુધી આ ખેલાડીઓ સામે કોઈ સત્તાવાર શિસ્તભંગના પગલાંની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ભવિષ્યમાં કડક કાર્યવાહી થવાની સંભાવના છે.
શ્રીલંકન ક્રિકેટ છેલ્લા ઘણાં સમયથી વિવાદો અને ખરાબ પ્રદર્શન સામે ઝઝૂમી રહ્યું છે. એક તરફ મુખ્ય ટીમોનું પ્રદર્શન નબળું રહ્યું છે, તો બીજી તરફ બોર્ડ અને ખેલાડીઓ વચ્ચે આઈપીએલ માટે એનઓસી આપવા જેવા મુદ્દે પણ મતભેદો ચાલી રહ્યા છે. અંડર-૧૯ સ્તરે બનેલી આ ઘટનાએ શ્રીલંકન ક્રિકેટની છબીને વધુ નુકસાન પહોંચાડ્યું છે.નવી રચાયેલી સમિતિ આ શરમજનક ઘટના અને બોર્ડના અન્ય પડકારોનો કેવી રીતે સામનો કરે છે તેના પર સૌની નજર રહેશે.SS1MS
