Western Times News

Gujarati News

પંચમહાલમાં શિક્ષણ વિભાગમાં કરોડોનું કૌભાંડ બહાર આવ્યું

બનાવટી દસ્તાવેજોના આધારે સ્માર્ટ પેનલ અને લેપટોપ ખરીદી બતાવી કરોડોની હેરાફેરી, અધિકારી પૂજન જોષી તથા નિતિન પટેલ સહિત ચાર કોન્ટ્રાક્ટર અને એજન્સી ધારકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લામાં શિક્ષણ વિભાગ હેઠળ ચાલતા “સમગ્ર શિક્ષણ” પ્રોજેક્ટમાં આશરે ?૨.૭૯ કરોડના આર્થિક કૌભાંડનો પર્દાફાશ થતા શિક્ષણ તંત્રમાં ભારે ચકચાર મચી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવેલી આંતરિક તપાસ દરમિયાન આ ગેરવહીવટ સામે આવ્યો હતો, જેના આધારે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

પ્રાથમિક માહિતી મુજબ, વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ દરમિયાન સાધનોની ખરીદીના નામે મોટી ગેરરીતિ આચરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે હિસાબી અધિકારી પૂજન જોષી તેમજ અન્ય સંકળાયેલા કર્મચારી નિતીન પટેલના કાર્યકાળ દરમિયાન, કાગળ ઉપર ખોટી ખરીદીઓ દર્શાવી સરકારના નાણાંનો દુરુપયોગ કર્યો હતો. આ ગેરરીતિમાં સ્માર્ટ પેનલ, લેપટોપ, એન્ટી વાયરસ સોફ્‌ટવેર સહિતના સાધનોની ખરીદી બતાવવામાં આવી હતી, જ્યારે હકીકતમાં કોઈ પણ પ્રકારની વાસ્તવિક ખરીદી કરવામાં આવી નહોતી.

આ કૌભાંડને અમલમાં મૂકવા માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા અને ખાનગી એજન્સીઓના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તપાસમાં જે.એસ. કોમ્પ્યુટર, શ્રી રામ એન્ટરપ્રાઇઝીઝ, વેદિકા એન્ટરપ્રાઇઝીઝ અને અક્ષર સેફટી પ્રોડક્ટ જેવી એજન્સીઓની સંડોવણી પણ સામે આવી છે. આ એજન્સીઓ દ્વારા કાગળ પર બિલો બનાવી સરકારી નાણાં ઉપાડવામાં આવ્યા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ દ્વારા કેસ દાખલ કરીને વધુ પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સંડોવાયેલા તમામ વ્યક્તિઓની ભૂમિકા અંગે વિગતવાર તપાસ ચાલી રહી છે અને આગળના દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

આ ઘટના સામે આવતા સમગ્ર શિક્ષણ વિભાગમાં હલચલ મચી ગઈ છે. સરકારી યોજનાઓમાં પારદર્શિતા અને જવાબદારી અંગે ફરી સવાલો ઉભા થયા છે. વિદ્યાર્થીઓના હિત માટે ફાળવવામાં આવેલા નાણાંનો આ રીતે ગેરવપરાશ થવો ખૂબ જ ગંભીર બાબત માનવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે પણ આ મુદ્દે ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

આ કૌભાંડ માત્ર આર્થિક ગેરરીતિ પૂરતું જ સીમિત નથી, પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. હવે જોવાનું એ રહેશે કે તપાસ દરમિયાન કેટલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થાય છે અને શિક્ષણ તંત્રમાં ફરીથી વિશ્વાસ કઈ રીતે સ્થાપિત થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.