વિયેતનામના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપશે
વિયેતનામના રાષ્ટ્રપતિ ‘ટો લેમ’ મંગળવારે અને સરકારના બીજા મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આજે ભારતમાં
નવી દિલ્હી, 5 મે (IANS): વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર વિયેતનામના રાષ્ટ્રપતિ ‘ટો લેમ’ મંગળવારે ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. ટો લેમ, જેઓ વિયેતનામની કોમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી પણ છે, તેઓ 7 મે સુધી ભારતમાં રહેશે. આ મહિનાની શરૂઆતમાં વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ તેમની આ પ્રથમ ભારત મુલાકાત છે.
વિદેશ મંત્રાલયે (MEA) અગાઉ જણાવ્યું હતું કે, “તેમની સાથે વિયેતનામ સરકારના અનેક મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આવશે. એક મજબૂત બિઝનેસ ડેલીગેશન પણ આ મુલાકાતી મહાનુભાવની સાથે રહેશે.”
મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ ટો લેમનું 6 મેના રોજ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે.
ત્યારબાદ, વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ ટો લેમ સાથે દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ મુલાકાતી નેતા સાથે મુલાકાત કરશે. અન્ય નેતાઓ પણ રાષ્ટ્રપતિ ટો લેમ સાથે મુલાકાત કરે તેવી અપેક્ષા છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિયેતનામના રાષ્ટ્રપતિ તેમની મુલાકાત દરમિયાન બોધગયા અને મુંબઈની પણ મુલાકાત લેશે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે નેતાઓ વચ્ચેની આ મુલાકાત “મજબૂત દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ” પૂરી પાડશે અને ભારત અને વિયેતનામ વચ્ચે સહકારના નવા માર્ગો ખોલશે.
આ અગાઉ, 7 એપ્રિલના રોજ વડાપ્રધાન મોદીએ ટો લેમને વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને બંને દેશો વચ્ચેની ‘વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી’ને વધુ ઊંડી બનાવવા માટે તેમની સાથે કામ કરવાની તૈયારી દર્શાવી હતી.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ટો લેમના નેતૃત્વમાં બંને દેશો વચ્ચેની સમયની કસોટી પર ખરી ઉતરેલી મિત્રતા સતત વધતી રહેશે. વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “સોશ્યલિસ્ટ રિપબ્લિક ઓફ વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ શ્રી ટો લેમને હાર્દિક અભિનંદન. મને વિશ્વાસ છે કે તેમના નેતૃત્વમાં આપણા બંને દેશો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બનશે. આપણા લોકો અને પ્રદેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે આપણી ભાગીદારીને વધુ ગાઢ બનાવવા હું સાથે મળીને કામ કરવા આતુર છું.”
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “ભારત અને વિયેતનામ ઐતિહાસિક અને સભ્યતાના સંબંધો ધરાવે છે, જે વર્ષોથી સતત ગાઢ બન્યા છે. રાષ્ટ્રપતિ ટો લેમની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધોને ‘વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી’ માં રૂપાંતરિત થયાના 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જે અંગેનો નિર્ણય 2016માં વડાપ્રધાન મોદીની વિયેતનામ મુલાકાત દરમિયાન લેવામાં આવ્યો હતો.”
