Western Times News

Gujarati News

ગ્રેસ માર્ક્સથી પાસ થનાર વિદ્યાર્થીને વાલીએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયો

અમદાવાદ, નબળા પરિણામ બદલ સંતાનોને ઠપકો આપતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના થલતેજમાં રહેતો અને ધો.૮માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગ્રેસ માર્ક્સથી પાસ થતા તેના વાલીએ સામાન્ય ઠપકો આપ્યો હતો. જે બાબતે મનમાં લાગી આવતા તે ઘરેથી સાઇકલ લઇને નીકળી ગયો હતો.

પરિવારે શોધખોળ કરવા છતાં તે ન મળી આવતા માતા પિતાનો જીવ તાળવે ચોંટી ગયો હતો. દરમિયાનમાં આ વિદ્યાર્થી મહારાષ્ટ્ર પાસે ટ્રેનમાં હોવાની પોલીસને હેલ્પલાઇન મારફતે જાણ થતાં બોડકદેવ પોલીસની એક ટીમે ત્યાં પહોંચીને કિશોરનો કબ્જો મેળવી ટીમ અમદાવાદ આવવા રવાના થઇ છે.

પ્રાથમિક તપાસમાં કિશોરે સાઇકલ મેટ્રો સ્ટેશને મૂકીને રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ ટ્રેનમાં બેસીને ગોવા જવાનો હોવાનું સામે આવ્યું છે. થલતેજમાં રહેતો ૧૪ વર્ષીય કિશોર વસ્ત્રાપુરની એક સ્કૂલમાં ધો.૮માં અભ્યાસ કરે છે. ગત તા.૧ના રોજ કિશોર અને તેની માતા ઘરે હતા. આ દરમિયાનમાં સાંજે કિશોર ઘરમાં ન દેખાતા તે સોસાયટીમાં રમવા ગયો હશે તેમ માનીને માતા અને ભાભી શોધવા નીકળ્યા હતા. પરંતુ કિશોરની સાઇકલ ન મળી આવતા આ પરિવાર ચિંતામાં મૂકાઇ ગયો હતો.

કિશોરની માતાએ આ બાબતે પતિને જાણ કરતા તે તાત્કાલિક ઘરે આવ્યા હતા. પરિવારે તપાસ કરવા છતાંય તેની ભાળ ન મળતા બોડકદેવ પોલીસને જાણ કરી હતી. બોડકદેવ પોલીસે આ મામલે તપાસ કરતા સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતા અને તમામ પોલીસને આ માહિતી બ્રોડકાસ્ટ કરી હતી.

આ દરમિયાનમાં એક જાગૃત નાગરિકે હેલ્પલાઇન મારફતે આ વિદ્યાર્થી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રેનમાં હોવાની માહિતી આપી હતી. જે મામલે બોડકદેવ પોલીસને જાણ થતાં એક ટીમ મહારાષ્ટ્રના રત્નાગીરી ખાતે પહોંચી હતી. મહારાષ્ટ્ર પોલીસ પાસેથી આ વિદ્યાર્થીનો કબ્જો મેળવી પૂછપરછ કરતા અનેક માહિતી સામે આવી હતી.

વિદ્યાર્થીએ જણાવ્યું કે માતા પિતાએ ઠપકો આપતા તે બે હજાર રૂપિયા લઇને સાઇકલ લઇને ઘરેથી નીકળી ગયો હતો. બાદમાં મેટ્રોમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાંથી ટ્રેનમાં બેસીને તે ગોવા જવા નીકળ્યો હતો, પરંતુ મુસાફરી દરમિયાન જ તેની માહિતી પોલીસને મળી જતા બોડકદેવ પોલીસની ટીમે સહીસલામત બાળકનો કબ્જો મેળવી ટીમ અમદાવાદ આવવા રવાના થઇ હોવાનું સામે આવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.