પશ્ચિમ બંગાળને 9 મે, 2026 ના રોજ BJPના પ્રથમ મુખ્યમંત્રી મળશે
File
પશ્ચિમ બંગાળ માટે અમિત શાહ અને આસામ માટે જે.પી. નડ્ડાની નિરીક્ષક તરીકે નિમણૂક
(એજન્સી)કોલકાતા, પશ્ચિમ બંગાળમાં ભાજપાની ભવ્ય જીત બાદ કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. બીજી તરફ ભાજપા દ્વારા પશ્ચિમ બંગાલ, અસમ અને પુંડુચેરમાં નવી સરકાર બનાવવા માટે કવાયત તેજ બનાવી છે.
દરમિયાન આગામી ૯ મેના રોજ ભાજપના પ્રથમ મુખ્યમંત્રીનો શપથવિધિ સમારોહ યોજાશે તેમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું. બંગાળમાં અમિત શાહ અને અસમમાં નેતાની પસંદગી માટે જે.પી.નડ્ડાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યના જણાવ્યા અનુસાર રાજ્યમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રીનો શપથવિધિ સમારોહ ૯ મે ના રોજ યોજાશે. પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રથમ સીએમના શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહ ભાજપ અને એનડીએના સિનિયર નેતાઓ ઉપસ્થિત રહેશે.
ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડ દ્વારા આગામી રાજકીય વ્યૂહરચનાના ભાગરૂપે મહત્વના રાજ્યો માટે નિરીક્ષકો (ઓબ્ઝર્વર્સ) ની જાહેરાત કરવામાં આવી છે.
જેમાં પશ્ચિમ બંગાળ અને આસામ જેવા મહત્વના રાજ્યો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. બંગાળમાં અમિત શાહ અને અસમમાં નેતાની પસંદગી માટે જે.પી.નડ્ડાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં પાર્ટીના સંગઠનને મજબૂત કરવા અને રાજકીય સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.
તેમની સાથે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીને સહ-નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપાઈ છે. ઓડિશામાં ભાજપની શાનદાર જીત બાદ માઝીનો અનુભવ બંગાળમાં પક્ષ માટે મહત્વનો સાબિત થઈ શકે છે. બીજી તરફ, આસામમાં ભાજપ ધારાસભ્ય દળના નેતાની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને નિરીક્ષક નિયુક્ત કરવામાં આવ્યા છે.
નડ્ડા આસામના ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજીને નવા નેતાના નામ પર મહોર મારશે. ભાજપ હાઈકમાન્ડના આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે પાર્ટી પૂર્વ ભારતના રાજ્યોમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારી રહી છે. તાજેતરમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના ગઈકાલે પરિણામ જાહેર થયાં હતા.
