તમિલનાડુના સુપરસ્ટાર વિજયની પાર્ટીને કોંગ્રેસનું સમર્થનઃ સરકાર બનાવવા મદદ કરશે
તમિલનાડુના રાજકારણમાં સુપરસ્ટાર વિજયની પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ (TVK) ટૂંક સમયમાં રાજ્યમાં સરકાર બનાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ પાર્ટીએ વિજયની સરકારને ટેકો આપવાનો સત્તાવાર નિર્ણય લઈ લીધો છે.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે અગાઉ સંકેત આપ્યા હતા કે વિજયે સરકાર રચવા માટે સમર્થન માંગ્યું હતું, જેના પર હવે મહોર વાગી ગઈ છે. થલપથી વિજય આગામી 7 મેના રોજ તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે.
ગુરુવારનો દિવસ શુભ હોવાથી વિજયે આ દિવસની પસંદગી કરી હોવાનું મનાય છે. ચેન્નાઈના નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાનારા આ ભવ્ય સમારોહમાં રાહુલ ગાંધી હાજર રહે તેવી શક્યતા છે.

TVK ના તમામ ધારાસભ્યોને હાલ ચેન્નાઈમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે. તમિલનાડુ વિધાનસભાની 234 બેઠકોમાંથી વિજયની પાર્ટીએ 107 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, જોકે બહુમતી માટે હજુ 11 બેઠકો ખૂટે છે.
કોંગ્રેસ પાસે 5 ધારાસભ્યો છે અને તેઓ વિજયની કેબિનેટમાં બે મંત્રી પદની માંગ કરી રહ્યા છે. આ ગઠબંધન માટે ગિરીશ ચોડણકર અને પ્રવીણ ચક્રવર્તી સતત TVK ના સંપર્કમાં છે.
