Western Times News

Gujarati News

બંગાળમાં SIR વખતે જ્યાં મતદારોના નામ રદ કરાયા ત્યાં BJPને ફાયદો થયો

કોલકાતા, પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન કરાયું અને તેમાં ૯૦ લાખ મતદારોના નામ યાદીમાંથી બહાર કરી દેવાયા, જે ચૂંટણી પરિણામો સામે આવ્યા તેમાં ૨૯૪ બેઠકોમાંથી ૧૪૭ બેઠકો એવી છે કે જ્યાં ૨૫ હજારથી વધુ મતદારોના નામ હટાવાયા, આ બેઠકો પર મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસને ભારે નુકસાન થયું. જ્યારે ભાજપનું જબરદસ્ત પ્રદર્શન રહ્યું.

તાજેતરમાં હાથ ધરાયેલા વિવિધ એનાલિસિસ જણાવે છે કે ૧૪૭ વિધાનસભા બેઠકો પર ૨૫ હજારથી વધુ મતદારોના નામ કમી કરવામાં આવ્યા ત્યાં ભાજપે ૯૫ બેઠકો પર જીત મેળવી છે. જ્યારે ટીએમસીને ૫૧ બેઠકો મળી હતી. ચૂંટણી પંચ દ્વારા મતદારોના વેરિફિકેશન માટેની પ્રક્રિયા એસઆઇઆર હાથ ધરાઇ જેમાં ૬૭ બેઠકો એવી છે કે જ્યાં ૧૫ હજારથી ૨૫ હજાર મતદારોના નામ કાઢવામાં આવ્યા. ચૂંટણી પરિણામોમાં આ બેઠકો પર પણ ભાજપ વિજેતા બન્યો હતો.

આ ૬૭ માંથી ૪૭ બેઠકો ભાજપે કબજે કરી લીધી છે. ૬૨ બેઠકો એવી છે કે જ્યાં પાંચ હજારથી ૧૫ હજાર મતદારોના નામ યાદીમાંથી હટાવવામાં આવ્યા હતા, આવી બેઠકોના ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો અહીંયા પણ ભાજપ ૫૦ બેઠકો પર જીત મેળવવામાં સફળ રહ્યો, એટલે કે જે પણ મત વિસ્તારમાં મોટી સંખ્યામાં મતદારોના નામ કમી કરવામાં આવ્યા ત્યાં ભાજપને મોટી જીત મળી છે જ્યારે મમતાના પક્ષ તૃણમૂલ કોંગ્રેસે હારનો સામનો કરવો પડયો છે.

મમતા બેનરજીએ ચૂંટણી પ્રચારમાં એસઆઇઆરનો વિરોધ કર્યાે હતો. જે ૧૩ વિધાનસભા બેઠકો પર મતદાર યાદીમાંથી પાંચ હજારથી ઓછા મતદારોના નામ હટાવવામાં આવ્યા ત્યાં ભાજપને સૌથી વધુ લાભ થયો. ભાજપે આ તમામ બેઠકો પર જીત મેળવી લીધી. મુર્શિદાબાદમાં ૪.૫૫ લાખ, ઉત્તર ૨૪ પરગણામાં ૩.૨૫ લાખ, માલદામાં ૨.૩૯ લાખ નામ હટાવાયા. મુર્શિદાબાદમાં ટીએમસીએ ૨૦૨૧ માં ૨૨માંથી ૨૦ બેઠકો જીતી હતી, આ વખતે જીતેલી બેઠકો માત્ર નવ રહી.

ઉત્તર ૨૪ પરગણામાં ટીએમસીને ૨૦૨૧માં ૩૩માંથી ૨૮ બેઠક મળી હતી જોકે આ વખતે માત્ર નવ પર સમેટાઇ ગઇ. માલદામાં પણ ૨.૩૯ લાખ મતદારોના નામ કમી કરાયા ત્યાં ટીએમસીને ૨૦૨૧માં ૧૨ માંથી આઠ બેઠક મળી હતી આ વખતે અડધી બેઠકો જીતાઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.