Western Times News

Gujarati News

રાજકોટમાં પીજીવીસીઅએલના એમડીના નામે મેસેજ કરી ૪૬.૬૦ લાખની ઠગાઈ

રાજકોટ, રાજકોટમાં સાયબર ફ્રોડની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પીજીવીસીએલના એમડીના નામે ખોટો વોટ્‌સએપ મેસેજ કરીને નાણા વિભાગના જનરલ મેનેજર પાસેથી ૪૫,૬૦,૯૦૪ પડાવીને બંગાળની બેંકમાં જમા કરાવ્યા હતા.

ગઠિયાએ એમડીના ફોટા સાથેના વોટ્‌સએપ નંબર પરથી મેસેજ કરી પોતે મીટિંગમાં હોવાનું જણાવી તાત્કાલિક નાણાં ટ્રાન્સફર કરવા સૂચના આપી હતી. યુનિવર્સિટી રોડ પર રહેતા અને પીજીવીસીએલ કચેરીમાં ફાઈનાન્સ વિભાગના જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા કિન્તુકુમાર શશીકાંતભાઈ મલકાણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા. ૪ મેના રોજ તેઓ ઓફિસમાં હતા ત્યારે તેમના મોબાઈલ પર એમડી કેતન જોષીના ફોટાવાળા એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો.

જેમાં લખ્યું હતું કે, ‘મલકાણ, આ મારો પર્સનલ નંબર છે, કોઈની સાથે શેર ન કરતા.’ ત્યારબાદ સામો પક્ષ મીટિંગમાં હોવાનું કહીને વોઈસ કોલ ઉપાડ્યો નહોતો અને મેસેજ દ્વારા મનીષા મંડલ નામના બંગાળના એકાઉન્ટમાં ૪૫,૬૦,૯૦૪ રૂપિયા તાત્કાલિક ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું.એમડીની સૂચના સમજીને કિન્તુકુમારે ઓફિસના કર્મચારી મારફતે આરટીજીએસ દ્વારા આ રકમ ટ્રાન્સફર કરાવી દીધી હતી.

જોકે, થોડી વાર પછી ફરીથી તે જ નંબર પરથી નીતિન નામના અન્ય એકાઉન્ટમાં ૩૦,૬૦,૮૦૧ રૂપિયા ટ્રાન્સફર કરવાનો મેસેજ આવ્યો હતો આથી મેનેજરને શંકા ગઈ હતી, જેથી તેઓ રૂબરૂ એમડી કેતન જોષીને મળવા પહોંચ્યા હતા. એમડીએ આવા કોઈ મેસેજ કર્યા ન હોવાનું અને તે નંબર તેમનો ન હોવાનું જણાવતા છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.આ ઘટના અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.