Western Times News

Gujarati News

રાજકોટના લાંચ કેસમાં પૂર્વ પીઆઈને બે વર્ષની સજા

રાજકોટ, રાજકોટમાં ૧૬ વર્ષ જૂના લાંચના કેસમાં ખાસ અદાલતે તત્કાલીન પોલીસ ઈન્સ્પેક્ટરને બે વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. ૧૮ નવેમ્બર ૨૦૦૯ના રોજ મોટા મવા ગામના સરપંચ મયુર તળશીભાઈ શિંગાળાની હત્યા થઈ હતી, જેમાં રમેશભાઈ રાણાભાઈ મકવાણાની સંડોવણી હોવાની રજૂઆત થઈ હતી.

તત્કાલીન પીઆઈ ચંદુલાલ પી. ગોસાઈ રમેશભાઈને બોલાવી તેમનું નામ ન ખોલાવવા માટે ૧૫ લાખની લાંચ માગી હતી, જે રકઝકના અંતે ૩.૫૦ લાખમાં નક્કી થઈ હતી.ટ્રેપના દિવસે ૨ લાખ રૂપિયા આપી દેવાયા હતા, જ્યારે બાકીના ૧.૫૦ લાખ રાત્રે પોલીસ સ્ટેશને પહોંચાડવાના હતા. ફરિયાદી રમેશભાઈએ આ અંગે એસીબીનો સંપર્ક કરતા તેમને ઝડપી લીધા હતા.

જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ કોર્ટ સમક્ષ દલીલો કરતાં જણાવ્યું હતું કે, આરોપીએ ફરિયાદીને વારંવાર પોલીસ સ્ટેશને બોલાવ્યા તે સાબિત કરે છે કે લાંચ માટે પતાવટ ચાલતી હતી.વધુમાં, આરોપીના હાથ પર પાવડરની હાજરી વૈજ્ઞાનિક પરીક્ષણ મુજબ જણાઈ આવી હતી, જે રકમ સ્વીકાર્યાનો મજબૂત પુરાવો છે.

કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જઈને મુખ્ય અધિકારીને ખોટા કેસમાં ફસાવે તે શક્ય નથી.બંને પક્ષોની રજૂઆતો બાદ એસીબીના ખાસ જજ વી. એ. રાણાએ ચંદુલાલ ગોસાઈને તકસીરવાન ઠરાવ્યા હતા. આરોપીની ૭૨ વર્ષની વયને ધ્યાનમાં રાખીને અદાલતે તેમને ૨ વર્ષની સખ્ત કેદની સજા અને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યાે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.