Western Times News

Gujarati News

ક્રાઈમ બ્રાન્ચે લગભગ ૧૫૦૦ કિલોમીટર સુધી પીછો કરીને UPથી સુરત SBIમાં 50 લાખની લૂંટના આરોપી પકડ્યા

બિહારની કુખ્યાત ગેંગનો પર્દાફાશ: સુરત SBI બેંક લૂંટકાંડનો ભેદ ઉકેલાયો

(એજન્સી)સુરત, શહેરમાં ૨૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ બનેલી હાઈપ્રોફાઈલ એસબીઆઈ બેંક લૂંટકાંડની ગૂંથણી આખરે ઉકેલાઈ છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપી, જેમાં જણાવાયું કે ક્રાઈમ બ્રાન્ચે લગભગ ૧૫૦૦ કિલોમીટર સુધી પીછો કરીને ઉત્તરપ્રદેશમાંથી ૨ આરોપીઓને ઝડપી પાડ્યા. Surat SBI Robbery: Conspiracy Hatched in Bihar Jail; Planned During Civic Polls to Exploit Low Police Presence

બિહારની કુખ્યાત ‘કુંદન ભગત’ ગેંગ આ લૂંટકાંડ પાછળ હોવાનું બહાર આવ્યું. વરાછા વિસ્તારના એલ.એચ. રોડ પર આવેલી શક્તિ ટાવર સ્થિત SBIની બ્રાન્ચમાં બપોરે લગભગ ૧ વાગ્યે ૬ થી ૭ શખ્સો ઘૂસી આવ્યા હતા અને પિસ્તોલ જેવા હથિયારોના ધાક પર કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી અંદાજે રૂ. ૫૦ થી ૫૨ લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

તપાસમાં સામે આવ્યું કે ગેંગ છેલ્લા ૨ મહિનાથી સુરતમાં જહાંગીરપુરા, રાંદેર અને વેડ રોડ વિસ્તારમાં ભાડાના મકાનોમાં રહી રહી હતી અને ઉગત કેનાલ પાસે પણ રોકાઈ હતી.

આરોપીઓએ અનેક વખત બેંકની રેકી કરી અને મતદાન દરમિયાન પોલીસ વ્યસ્ત રહે તેવા સમયે લૂંટનો પ્લાન બનાવ્યો. ગેંગે ખોટા આધારકાર્ડ દ્વારા અલગ-અલગ નામોથી ઓળખ ઉભી કરી, જેમાં એક વ્યક્તિ પાસે ૫ જેટલા અલગ નામો હોવાનો ખુલાસો થયો.

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ૭ પીઆળ અને ૧૦૦થી વધુ પોલીસકર્મીઓની ટીમ બનાવી ૧૦૦૦થી વધુ સીસીટીવી ફૂટેજ, ટાવર ડેટા અને મોબાઈલ એનાલિસિસ સાથે હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને હીરો સ્પ્લેન્ડર, પલ્સર ૨૨૦ અને અપાચી જેવી ખોટી નંબર પ્લેટવાળી બાઈકનું લોકેશન ટ્રેસ કરાયું, જે બાદમાં ઓલપાડ નજીક બિનવારસી હાલતમાં મળી આવી.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉત્તરપ્રદેશમાં ઓપરેશન ચલાવી શુભમકુમાર ઠાકુર (અયોધ્યા) અને વિકાસસિંહ (ગોંડા જિલ્લો)ને ટ્રેસ કરીને ઝડપાયા, જેમની પાસેથી રૂ. ૯૩,૦૦૦ રોકડ અને ૩ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૧.૦૮ લાખનો મુદ્દામાલ કબ્જે થયો.

તપાસમાં ખુલ્યું કે આ સમગ્ર લૂંટકાંડનો માસ્ટરમાઇન્ડ કુંદન ભગત છે, જે હાલ પટનાની આદર્શ સેન્ટ્રલ જેલમાં કેદ છે અને ત્યાંથી જ ગેંગને સૂચનાઓ આપતો હતો. ૨૦૨૩માં દેહરાદૂનની કરોડોની લૂંટમાં પણ તેનો હાથ હોવાનું સામે આવ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.