Western Times News

Gujarati News

રિકન્સ્ટ્રક્શનના નામે આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યુંઃ પોલીસ સામે કોર્ટ કન્ટેમ્પ્ટની અરજી

આરોપીઓના સરઘસ કાઢવા મુદ્દે પોલીસ સામે કન્ટેમ્પ્ટની અરજી

(એજન્સી)અમદાવાદ, વડોદરાના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારોનો આક્ષેપ છે કે રિકન્સ્ટ્રક્શનના નામે આરોપીઓનું પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. જે કોર્ટના આદેશો અને બંધારણથી વિપરીત કૃત્ય છે. હાઇકોર્ટ આ મામલે થયેલી તમામ અરજીઓને હવે ક્લબ કરીને એકસાથે સુનાવણી હાથ ધરી શકે છે.

વડોદરાના પાંચ અરજદારોએ વડોદરા પોલીસ સામે કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરી છે. જેમાં જણાવ્યું છે કે તેમની સામે શ્રીગણેશજીની પ્રતિમા ઉપર ઈંડા ફેકવાનો આક્ષેપ છે. આ બનાવ ઓગસ્ટ ૨૦૨૫ નો છે. પોલીસ ફરિયાદ અજાણ્યા ઇસમો સામે નોંધવામાં આવી હતી. ત્યારબાદ તપાસ કરીને પોલીસે આરોપીઓની ધરપકડ કરવાનુ શરૂ કર્યું હતું.

પોલીસે કથિત બનાવ મામલે પાંચ આરોપીઓને રિકન્સ્ટ્રક્શનના નામે દોઢ કિલોમીટર લાંબી પરેડ કરાવી હતી. પરંતુ આ રિકન્સ્ટ્રક્શનમાં તેમને દોષિત ઠેરવીને પોલીસ માફી મંગાવતી હોય તેવું લાગતું હતું. વળી આ બધી બાબતોના વીડિયો સહિતના મટિરિઅલને ગુજરાત પોલીસની વેબસાઈટ ઉપર મૂકવામાં આવી હતી. આ મામલે કોર્ટે અરજદારોને પૂછ્યું હતું કે શું તેઓ ઘટના સમયે ત્યાં હાજર હતા કે કેમ. જે સંદર્ભે અરજદારના વકીલ ગુરુવારે કોર્ટમાં જવાબ રજૂ કરશે.

અરજદારના વકીલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ તેઓ ત્યાં હાજર હોય તો પણ પોલીસ આવું વર્તન કરી શકે નહીં. તેઓએ હાઇકોર્ટ સમક્ષ ત્રણ સીડી રજૂ કરી હતી. સાથે જ એમ પણ કહ્યું હતું કે અરજદારોએ કોઈ ઈંડા ફેક્યા નથી. અરજદારોની આ કેસમાં જામીન થયા બાદ પણ એક બાદ એક અન્ય કેસોમાં તેમની ધરપકડ કરીને પાસા કરવામાં આવેલી છે.

હાઇકોર્ટે પણ કહ્યું હતું કે તેઓ અવારનવાર સમાચાર પત્રોમાં પોલીસ દ્વારા આરોપીઓ સામે લેવાતા આવા પગલાંને જોતાં હોય છે. અરજદારોએ વધુમાં જણાવ્યું હતું કે પાટણના ચાણસ્મામાં પણ આવું થયું હતું. જેમાં ૧૯ જેટલા લોકોને પોલીસે બે કલાક માર માર્યાે હતો. કોર્ટે કહ્યું હતું કે રિકન્સ્ટ્રક્શનની કોઈ એવિડેન્શિયલ વેલ્યુ નથી. પરંતુ તપાસ કરવા માટે તેનો જરૂરિયાત વખતે જ ઉપયોગ કરવામાં આવે છે.

હાઇકોર્ટે કહ્યું હતું કે આવા અન્ય કેસો પણ કોર્ટ સમક્ષ આવ્યા છે. ત્યારે તેને ક્લબ કરીને સાથે ચલાવવામાં આવી શકે છે. અરજદાર તરફથી વધુમાં રજૂઆત કરવામાં આવી હતી કે વર્ષ ૨૦૨૧થી આ પ્રકારનો સિલસિલો શરૂ થયો છે. પોલીસ કર્મચારીઓને ઉપરથી હુકમ મળતો હોય તો જ તેઓ આ પ્રકારનું કાર્ય કરી શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.