Western Times News

Gujarati News

ગુજરાતમાં હજુ ૨૪ કલાક કમોસમી વરસાદની આગાહી

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, રાજ્યના વાતાવરણમાં અચાનક આવેલા પલટા વચ્ચે હવામાન વિભાગે હજુ આગામી ૨૪ કલાક માટે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વાતાવરણમાં બે નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે ભેજવાળા પવનો ખેંચાઈ આવ્યા છે,

જેના લીધે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું પડવાની પૂરેપૂરી શક્્યતા છે. આ સમાચારની સીધી અસર ખેડૂતો અને સામાન્ય નાગરિકો પર જોવા મળશે.

હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી મુજબ, આજે કચ્છની સાથે સૌરાષ્ટ્રના ૬ જિલ્લાઓ-મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. માત્ર વરસાદ જ નહીં, પરંતુ આ વિસ્તારોમાં ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન પણ ફૂંકાશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

બીજી તરફ, અમદાવાદના લોકો માટે આજે દિવસભર આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે, જેનાથી ગરમીમાં થોડી રાહત મળી શકે છે. રાજ્યમાં આ કમોસમી વરસાદ પાછળનું મુખ્ય કારણ જણાવતા હવામાન નિષ્ણાતોએ કહ્યું છે કે, હાલમાં કાશ્મીર અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના રૂપે એક સાયક્લોનિક સર્ક્‌યુલેશન યથાવત છે.

આની સાથે જ મધ્ય અને ઉપરના વાતાવરણમાં (ટ્રોપોસ્ફેરિક લેવલ પર) પશ્ચિમ દિશામાં એક ટ્રફ પણ સક્રિય થયો છે. આ બંને સિસ્ટમ ભેગી થવાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે અને પરિણામ સ્વરૂપ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે.

કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા ગુજરાતના લોકો માટે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આંધી-તોફાન અને વરસાદ અંગે એક મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ૮ મે સુધી કમોસમી વરસાદ પડી શકે છે અને ત્યારબાદ ૧૫ જૂનની આસપાસ સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.