Western Times News

Gujarati News

‘ઈરાનના હવાઇ હુમલાઓમાં ૨૨૮ અમેરિકન સૈન્ય ઉપકરણો નષ્ટ’

તહેરાન, ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ ચાલી રહ્યો છે પરંતુ છેડાયેલા ભીષણ યુદ્ધની હવે એક એવી સત્યતા સામે આવી છે જેણે દુનિયાને ચોંકાવી દીધી છે. સેટેલાઇટ તસવીરોના નવા વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે ઈરાને મધ્ય પૂર્વમાં સ્થિત અમેરિકન સૈન્ય મથકો પર અત્યાર સુધીના સૌથી ઘાતક હુમલા કર્યા છે.

વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી ૨૨૮ સૈન્ય સંરચનાઓ અને ઉપકરણો નાશ પામ્યા છે અથવા તેને ભારે નુકસાન થયું છે. આ સંખ્યા અમેરિકન સરકાર દ્વારા સત્તાવાર રીતે સ્વીકારવામાં આવેલા આંકડા કરતા ઘણી વધારે છે.ઈરાને આ હુમલાઓમાં માત્ર ઇમારતોને જ નિશાન બનાવી નથી, પરંતુ અમેરિકાની ‘ડિજિટલ નર્વસ સિસ્ટમ‘ એટલે કે સંચાર અને સુરક્ષા તંત્ર પર સીધો હુમલો કર્યાે છે.

સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે તબાહ થયેલી વસ્તુઓમાં નીચેનાનો સમાવેશ થાય છે. સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એર બેઝ પર ઈંધણ ભરનારા ટેન્કર અને ઈ-૩ સેન્ટ્રી એરક્રાફ્ટને નુકસાન થયું છે. કુવૈત અને બહેરીનમાં તૈનાત પેટ્રિયોટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અને જોર્ડન તથા યુએઈમાં થાડ રડાર ઉપકરણોને નિશાન બનાવવામાં આવ્યા. અનેક સ્થળો પર ઈંધણ ડેપો, સૈનિકોના રહેવાના બેરેક, જીમ અને ડાઈનિંગ હોલ પણ કાટમાળમાં ફેરવાઈ ગયા છે.

કતારના અલ-ઉદેદ એર બેઝ પર મહત્વપૂર્ણ સેટેલાઇટ સંચાર કેન્દ્રો અને રડારને ભારે ક્ષતિ પહોંચી છે.અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે અમેરિકન વહીવટીતંત્રે આ નુકસાનને ઘણું ઓછું કરીને બતાવ્યું હતું. જ્યાં સરકારે જીતના દાવા કર્યા હતા, ત્યાં જમીની હકીકત એ છે કે બહેરીનમાં સ્થિત અમેરિકન નૌસેનાના ૫મા કાફલાના મુખ્યાલય અને કુવૈતના ત્રણ મુખ્ય મથકો પર અડધાથી વધુ નુકસાન થયું છે.

રિપોર્ટ અનુસાર, ફેબ્›આરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૭ અમેરિકન સૈનિકો માર્યા ગયા છે અને ૪૦૦થી વધુ ઘાયલ થયા છે.સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે ઈરાને જાણીજોઈને એવા સ્થળો પસંદ કર્યા જે અમેરિકા માટે વ્યૂહાત્મક રીતે સૌથી મોંઘા અને દુર્લભ છે. તેમણે સીધા રડાર એરિયા પર હુમલો કરવાને બદલે તે ઇમારતોને નિશાન બનાવી જ્યાં ડેટા પ્રોસેસિંગ, કૂલિંગ સિસ્ટમ અને વીજળી ઉત્પાદનની સુવિધાઓ હતી.

આનો અર્થ એ છે કે જો રડાર સુરક્ષિત પણ રહે, તો તેમને ચલાવનારી સિસ્ટમ ખતમ થઈ ગઈ છે. વિશ્લેષક વિલિયમ ગુડહેન્ડના જણાવ્યા મુજબ ઈરાને ‘સોફ્ટ ટાર્ગેટ’ એટલે કે સૈનિકોના રહેઠાણોને પણ નિશાન બનાવ્યા જેથી વધુમાં વધુ નુકસાન પહોંચાડી શકાય.

પેન્ટાગોન અનુસાર, આ યુદ્ધમાં અત્યાર સુધી અમેરિકાને લગભગ ૨૫ બિલિયન ડોલરનો ખર્ચ ઉઠાવવો પડ્યો છે, પરંતુ ગુપ્ત સ્ત્રોતોનું માનવું છે કે વાસ્તવિક નુકસાન ૪૦-૫૦ બિલિયન ડોલર (આશરે ૪ લાખ કરોડ રૂપિયા)ની આસપાસ હોઈ શકે છે. ભારે તબાહીને કારણે અમેરિકાને અનેક મથકો પર સ્ટાફ ઘટાડવો પડ્યો છે.

જો કે રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે વાતચીત દ્વારા કરારના પ્રયાસમાં કેટલાક સૈન્ય અભિયાનો રોકવાની વાત કરી છે, પરંતુ જમીન પર તણાવ ઓછો થવાના અણસાર દેખાઈ રહ્યા નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.