Western Times News

Gujarati News

સોહરાબુદ્દીન શેખ હત્યા કેસમાં બોમ્બે કોર્ટે તમામ ૨૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને સહયોગી તુલસીરામ પ્રજાપતિના કથિત ફેક એન્કાઉન્ટર કેસ

૨૬ નવેમ્બર, ૨૦૦૫ના રોજ અમદાવાદના વિશાલા સર્કલ પાસે સોહરાબુદ્દીન શેખનું કથિત નકલી એન્કાઉન્ટર કરવામાં આવ્યું.

સુપ્રીમ કોર્ટના આદેશથી ૨૦૧૨માં આ કેસ ગુજરાતથી મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને સહયોગી તુલસીરામ પ્રજાપતિના કથિત ફેક એન્કાઉન્ટર કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આ કેસના તમામ ૨૨ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના નીચલી અદાલતના નિર્ણયને યથાવત રાખતા, પીડિત પરિવાર દ્વારા કરવામાં આવેલી અપીલોને ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અંખાદની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટનો ૨૦૧૮નો ચુકાદો યોગ્ય છે.

  • ૨૩ નવેમ્બર, ૨૦૦૫: સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને તુલસીરામ પ્રજાપતિ હૈદરાબાદથી સાંગલી જતી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ગુજરાત અને એટીએસ (ATS) ની ટીમે તેમને અટકાવ્યા હતા.

  • ૨૪ નવેમ્બર, ૨૦૦૫: સોહરાબુદ્દીન અને કૌસર બીને અમદાવાદ નજીક એક ફાર્મ હાઉસ પર લઈ જવામાં આવ્યા. પ્રજાપતિને ઉદયપુર મોકલી દેવામાં આવ્યો.

  • ૨૬ નવેમ્બર, ૨૦૦૫: અમદાવાદના વિશાલા સર્કલ પાસે સોહરાબુદ્દીન શેખનું કથિત નકલી એન્કાઉન્ટર કરવામાં આવ્યું. પોલીસનો દાવો હતો કે તે લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી હતો અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા આવ્યો હતો.

  • ૨૯ નવેમ્બર, ૨૦૦૫: સોહરાબુદ્દીનની પત્ની કૌસર બીની પણ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું (જોકે તેની લાશ ક્યારેય મળી નહોતી).

૨૦૦૬ – ૨૦૧૦: તપાસ અને ધરપકડ

  • 28 ડિસેમ્બર ૨૦૦૬: આ કેસના મુખ્ય સાક્ષી તુલસીરામ પ્રજાપતિનું પણ બનાસકાંઠાના છાપરી પાસે એન્કાઉન્ટર કરવામાં આવ્યું.

  • ૨૦૦૭: સુપ્રીમ કોર્ટના આદેશથી ગુજરાત સીઆઈડી (CID) એ તપાસ શરૂ કરી. ગીતા જોહરીની તપાસ બાદ ડી.જી. વણઝારા, રાજકુમાર પાંડિયન અને દિનેશ એમ.એન. જેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી.

  • જાન્યુઆરી ૨૦૧૦: સુપ્રીમ કોર્ટે તપાસ CBI (સીબીઆઈ) ને સોંપી.

  • 26 જુલાઈ 2010 : CBIએ તત્કાલીન ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની ધરપકડ કરી. તેમને જેલમાં જવું પડ્યું હતું.

૨૦૧૨ – ૨૦૧૪: કેસ ટ્રાન્સફર અને મુક્તિ

  • સપ્ટેમ્બર ૨૦૧૨: નિષ્પક્ષ સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે આ કેસને ગુજરાતથી મુંબઈ ટ્રાન્સફર કર્યો.

  • 30 ડિસેમ્બર ૨૦૧૪: મુંબઈની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે પુરાવાઓના અભાવે અમિત શાહને તમામ આરોપોમાંથી મુક્ત (Discharge) કર્યા.

૨૦૧૭ – ૨૦૧૮: અંતિમ સુનાવણી અને ચુકાદો

  • નવેમ્બર ૨૦૧૭: સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ૨૨ આરોપીઓ સામે ટ્રાયલ શરૂ કરી.

  • ૨૦૧૮: સુનાવણી દરમિયાન કુલ ૨૧૦ સાક્ષીઓ તપાસવામાં આવ્યા, જેમાંથી ૯૨ સાક્ષીઓ ફરી ગયા (Hostile) હતા.

  • ૨૧ ડિસેમ્બર, ૨૦૧૮: મુંબઈની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે અંતિમ ચુકાદો આપ્યો. કોર્ટે જણાવ્યું કે સોહરાબુદ્દીનને ગોળી વાગી હતી તે સાચું છે, પરંતુ તે કોણે મારી હતી અને તે ષડયંત્ર હતું તે સાબિત કરવામાં સીબીઆઈ નિષ્ફળ રહી છે. પરિણામે, બાકીના તમામ ૨૨ આરોપીઓને પુરાવાઓના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.

સોહરાબુદ્દીનના ભાઈઓ રુબાબુદ્દીન અને નાયબુદ્દીને ૨૦૧૯માં હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. તેમની દલીલ હતી કે ટ્રાયલ કોર્ટની સુનાવણીમાં ખામીઓ હતી અને પુરાવાઓનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું.

તેમણે એવી પણ ફરિયાદ કરી હતી કે સીબીઆઈ દ્વારા મહત્વના સાક્ષીઓ અને મેજિસ્ટ્રેટોને સમન્સ પાઠવવામાં આવ્યા નહોતા. જોકે, સીબીઆઈએ હાઈકોર્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ટ્રાયલ કોર્ટના ચુકાદાને સ્વીકારે છે અને તેને પડકારવાનો કોઈ નિર્ણય લીધો નથી. હાઈકોર્ટે આ તમામ દલીલો સાંભળ્યા બાદ વર્ષ ૨૦૨૫માં ઓર્ડર અનામત રાખ્યો હતો, જેનો ચુકાદો આજે જાહેર કરવામાં આવ્યો છે.

આ કેસની શરૂઆત ૨૩ નવેમ્બર ૨૦૦૫ના રોજ થઈ હતી, જ્યારે સોહરાબુદ્દીન શેખ, કૌસર બી અને તુલસીરામ પ્રજાપતિનું હૈદરાબાદથી સાંગલી જતી લક્ઝરી બસમાંથી કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું.

સીબીઆઈનો દાવો હતો કે સોહરાબુદ્દીન અને પ્રજાપતિને બનાવટી એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યા હતા, જ્યારે કૌસર બીની હત્યા કરીને તેના મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં વર્તમાન કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ આરોપી હતા, પરંતુ ડિસેમ્બર ૨૦૧૪માં જજ એમ.બી. ગોસાવીએ તેમને આરોપમુક્ત કર્યા હતા.

સુપ્રીમ કોર્ટના આદેશથી ૨૦૧૨માં આ કેસ ગુજરાતથી મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ૨૧ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ સ્પેશિયલ સીબીઆઈ જજ એસ.જે. શર્માએ તમામ ૨૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, જેમાં ગુજરાત, રાજસ્થાન અને આંધ્રપ્રદેશના નિવૃત્ત અને કાર્યરત પોલીસકર્મીઓનો સમાવેશ થતો હતો.

ટ્રાયલ દરમિયાન ૨૧૦ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૯૨ સાક્ષીઓ ફરી ગયા હતા. ટ્રાયલ કોર્ટે તેના ૩૫૮ પાનાના ચુકાદામાં નોંધ્યું હતું કે માત્ર શંકા કે નૈતિક આધારો પર આરોપીઓને દોષિત ઠેરવી શકાય નહીં, કારણ કે પ્રોસિક્યુશન હત્યા અને કાવતરાના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું. હવે હાઈકોર્ટે પણ આ જ તર્કને માન્ય રાખીને ચુકાદો આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.