Western Times News

Gujarati News

રાજકોટમાં લાંચિયા ટ્રાફિક જમાદારને ૧૦ વર્ષ અને મદદગારને ૭ વર્ષની સજા

રાજકોટ, રાજકોટના ગોંડલ ચોકડીથી કુવાડવા પોલીસ ચોકી વચ્ચેના રિંગ રોડ પર પસાર થતા વાહનોને હેરાન ન કરવાના બદલામાં માસિક હપ્તા વસૂલી ચોક્કસ કાર્ડ આપવાના ચકચારી પ્રકરણમાં અદાલતે ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલને ૧૦ વર્ષની સખત કેદ અને લાંચની ઉઘરાણીમાં મદદ કરનાર ખાનગી વ્યક્તિને ૭ વર્ષની જેલની સજા ફટકારી છે.

એક વેપારીને તેમના રીક્ષાચાલકે જાણ કરી હતી કે ગોંડલ ચોકડીથી કુવાડવા વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો અટકાવી તપાસ ન કરવાના બદલામાં ૫૦/- રૂપિયા લઈ એક કાર્ડ આપવામાં આવે છે. આ બાબતે વેપારીએ અમદાવાદ એસીબી કચેરીમાં ફરિયાદ કરતા રાજકોટ એસીબીએ ૫ માર્ચ ૨૦૧૮ના રોજ છટકું ગોઠવ્યું હતું.

તપાસ દરમિયાન પોલીસ જમાદાર બિપીનભાઈ લવજીભાઈ મકવાણા અને પ્રજાજન તરીકે તેમની સાથે રહી ઉઘરાણી કરતા દીપકભાઈ કાનજીભાઈ પરમાર રંગેહાથ ઝડપાયા હતા.

પોલીસની ગાડીમાંથી તપાસ દરમિયાન લાંચના અનેક કાર્ડ પણ મળી આવ્યા હતા.કેસની સુનાવણી દરમિયાન જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરાએ દલીલ કરી હતી કે, ટ્રેપ દરમિયાન વાહન ઊભું રાખવું પરંતુ ચેકિંગ ન કરવું તે સૂચક રીતે લાંચની માંગણી છે. હેડ કોન્સ્ટેબલ બિપીનભાઈ મકવાણા સરકારી વાહનમાં બેસી રહી ખાનગી વ્યક્તિ પાસે ઉઘરાણી કરાવતા હતા, જે ગુનાહિત ગેરવર્તણૂક છે.

બંને પક્ષોની રજૂઆતો બાદ અધિક સેશન્સ જજે આરોપી બિપીનભાઈ મકવાણાને ૧૦ વર્ષની સખત કેદ અને ૩ લાખ રૂપિયાનો દંડ, જ્યારે મદદગારી કરનાર દીપકભાઈ પરમારને ૭ વર્ષની સખત કેદ અને ૨ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યાે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.