Western Times News

Gujarati News

સાણંદના ગોધાવી ખાતે ‘શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિર’નું ભૂમિપૂજન સંપન્ન

આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા નિર્મિત કેમ્પસમાં આધુનિક અભ્યાસક્રમ સાથે યોગ અને સંસ્કારનું શિક્ષણ અપાશે.

શાળામાં CBSE બોર્ડ આધારિત નવો અભ્યાસક્રમ ભણાવાશે -વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક સ્પોર્ટ્સ એકેડમીની સુવિધા મળશે -પર્ફોર્મિંગ અને ક્રિએટિવ આર્ટસ એકેડમી પણ બનશે નવી ઇનોવેશન એકેડમી સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ

ગોધાવી (સાણંદ): અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ગોધાવી ખાતે એક મહત્વપૂર્ણ શૈક્ષણિક પ્રકલ્પનો પ્રારંભ થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે શુક્રવાર, ૮ મે ૨૦૨૬ના રોજ ‘શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિર’નું શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આર્ટ ઓફ લિવિંગ પરિવારના સભ્યો અને શિક્ષણ જગતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન ભૂમિપૂજન બાદ આયોજિત સભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિર જેવા શૈક્ષણિક સંસ્થાનો માત્ર અક્ષરજ્ઞાન જ નહીં, પરંતુ નવી પેઢીમાં માનવીય મૂલ્યો અને સંસ્કારોનું પણ સિંચન કરશે. તેમણે ઉમેર્યું કે, ગોધાવી જેવા વિકસતા વિસ્તારમાં આ શાળાના નિર્માણથી સ્થાનિક બાળકોને વૈશ્વિક કક્ષાનું શિક્ષણ ઘરઆંગણે પ્રાપ્ત થશે.

આધુનિક સુવિધાઓથી સજ્જ હશે સંકુલ આગામી સમયમાં તૈયાર થનારું આ વિદ્યામંદિર આધુનિક વર્ગખંડો, પ્રયોગશાળાઓ અને રમતગમતના મેદાનો જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ હશે. આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ શૈક્ષણિક સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો છે, જેમાં યોગ અને ધ્યાનનો પણ સમાવેશ કરવામાં આવશે.

ઉપસ્થિત મહાનુભાવો આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર તેમજ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના વરિષ્ઠ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીએ તકતી અનાવરણ કરી સંસ્થાના ભાવિ આયોજનો માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સાણંદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વાલીઓએ પણ આ શૈક્ષણિક પહેલને ઉત્સાહપૂર્વક વધાવી લીધી છે.

 મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે,  પૂજ્ય શ્રી શ્રી રવિશંકરના નામ સાથે જોડાયેલ વિદ્યામંદિરના ભૂમિપૂજનનું સૌભાગ્ય આજે મને મળ્યું છે મારા માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે વિશ્વ નેતા અને યશસ્વી વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી શિક્ષણને રાષ્ટ્ર નિર્માણનું સૌથી શક્તિશાળી માધ્યમ કહે છે શિક્ષણમાં સંસ્કાર આધ્યાત્મિકતા આધુનિકતા અને રાષ્ટ્રભાવ ના જોડાય ત્યારે જ ભવિષ્યના જવાબદાર નાગરિકનું ઘડતર થાય છે આજે ગોધાવી સાણંદ વિસ્તારમાં એવી જ એક અભિનવ શિક્ષણ સંસ્થાનો પાયો નાખવા માટે શ્રી રવિશંકર વિદ્યા મંદિરના સૌ સંચાલક ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.