Western Times News

Gujarati News

હોર્મુઝ પાર કરતી વખતે ત્રણ અમેરિકન ડિસ્‍ટ્રોયર્સ પર હુમલો: ટ્રમ્‍પે સ્‍વીકાર્યું કે હુમલો થયો હતો

AI Image

હોર્મુઝમાં યુધ્‍ધવિરામનો ફિયાસ્કો – ટ્રમ્‍પે સ્‍વીકાર્યું કે હોર્મુઝ પાર કરતી વખતે ત્રણ અમેરિકન ડિસ્‍ટ્રોયર્સ પર હુમલો થયો

અમેરિકાએ સૌપ્રથમ કેશ્‍મ ટાપુ અને ચાબહાર બંદર નજીક નાગરિક વિસ્‍તારો પર હવાઈ હુમલા કર્યા હતા,

વોશિંગ્‍ટન,  હોર્મુઝ સ્‍ટ્રેટમાં બીજા વિશ્વ યુદ્ધના પર્લ હાર્બર હુમલાની યાદ અપાવનારી બની રહી. ઈરાની દળોએ અમેરિકી નૌકાદળના ત્રણ મુખ્‍ય જહાજો USS ટ્રુક્‍સટન, USS રાફેલ પેરાલ્‍ટાને નિશાન બનાવીને સેંકડો મિસાઈલો અને આત્‍મઘાતી ડ્રોનથી હુમલો કર્યો હતો.

ઈરાનનો દાવો છે કે આ હુમલાથી અમેરિકા સ્‍તબ્‍ધ થઈ ગયું હતું અને તેના જહાજોને જીવ બચાવવા માટે અરબી સમુદ્ર તરફ ભાગવું પડ્‍યું હતું. ઈરાનના સૈન્‍ય પ્રવક્‍તાએ આ ઓપરેશનને અમેરિકાના કથિત યુદ્ધવિરામ ભંગ સામેનો ચોકસાઈભર્યો જવાબ ગણાવ્‍યો છે.

આ ભયાનક અથડામણ બાદ યુએસ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે સોશિયલ મીડિયા પર પોતાની આગવી શૈલીમાં પ્રતિક્રિયા આપી હતી. ટ્રમ્‍પે સ્‍વીકાર્યું કે હોર્મુઝ પાર કરતી વખતે ત્રણ અમેરિકન ડિસ્‍ટ્રોયર્સ પર હુમલો થયો હતો, પરંતુ તેમણે દાવો કર્યો કે તમામ જહાજો સુરક્ષિત છે.

ટ્રમ્‍પે ઈરાની મિસાઈલોની સરખામણી ‘બગીચામાં પડતા પતંગિયા’ સાથે કરી અને ઈરાનના મિસાઈલ લોન્‍ચ પેડ્‍સ તથા બંદરો પર કરવામાં આવેલા વળતા હુમલા કરી આંચકો આપ્‍યો હતો. તેમણે સ્‍પષ્ટ કર્યું કે આ એક નાનો આંચકો છે અને હજુ પણ યુદ્ધવિરામ અમલમાં છે.

ઈરાનના ટોચના લશ્‍કરી કમાન્‍ડે આરોપ લગાવ્‍યો છે કે અમેરિકાએ સૌપ્રથમ કેશ્‍મ ટાપુ અને ચાબહાર બંદર નજીક નાગરિક વિસ્‍તારો પર હવાઈ હુમલા કર્યા હતા, જેના કારણે ઈરાને વળતો પ્રહાર કરવો પડ્‍યો.

ઈરાનના દાવા મુજબ, તેમના હુમલામાં અમેરિકી નૌકાદળને ભારે નુકસાન થયું છે અને તેહરાન હવે કોઈપણ ઉશ્‍કેરણી સામે ખચકાટ વિના કડક કાર્યવાહી કરવા તૈયાર છે. જોકે, અમેરિકી સેન્‍ટ્રલ કમાન્‍ડે જાનહાનિના અહેવાલોને નકારી કાઢ્‍યા છે અને કહ્યું છે કે તેમની મિસાઈલ ડિફેન્‍સ સિસ્‍ટમે તમામ હુમલાઓને હવામાં જ તોડી પાડ્‍યા હતા.

આ ઘટના બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્‍તરે ચિતા વધી ગઈ છે કે શું આ ‘મિનિ યુદ્ધ’ ભવિષ્‍યમાં કોઈ મોટા પ્રાદેશિક સંઘર્ષમાં પરિણમશે. ટ્રમ્‍પે ઈરાનને કડક ચેતવણી આપી છે કે જો તે ટૂંક સમયમાં કોઈ સમજૂતી પર નહીં આવે તો અમેરિકા કઠોર અને હિસક પ્રતિક્રિયા આપશે. બીજી તરફ, ઈરાને દાવો કર્યો છે કે કલાકો સુધી ચાલેલા ગોળીબાર બાદ હવે પરિસ્‍થિતિ સામાન્‍ય થઈ ગઈ છે, પરંતુ હોર્મુઝની ખાડીમાં અત્‍યારે પણ સન્નાટા વચ્‍ચે તણાવ સ્‍પષ્ટ દેખાઈ રહ્યો છે.

નિષ્‍ણાતો માની રહ્યા છે કે આ હુમલો અમેરિકાને તેની નૌકાદળની મર્યાદાઓ બતાવવાનો ઈરાનનો એક વ્‍યૂહાત્‍મક પ્રયાસ હતો. જ્‍યારે ટ્રમ્‍પ આ ઘટનાને હળવાશથી લઈ રહ્યા છે, ત્‍યારે ગ્રાઉન્‍ડ લેવલ પર સ્‍થિતિ વધુ વણસી રહી હોય તેવું લાગે છે. બંને દેશો વચ્‍ચે ત્રણ તબક્કાના શાંતિ પ્રસ્‍તાવ પર ચર્ચા ચાલી રહી છે, જેમાં પરમાણુ મુદ્દાઓને બાજુ પર રાખીને યુદ્ધના ઔપચારિક અંતની વાત છે, પરંતુ આ પ્રકારના હુમલા શાંતિ પ્રક્રિયામાં મોટા અવરોધ સમાન સાબિત થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.