મમતાએ કોંગ્રેસથી અલગ થઈને ‘તૃણમૂલ કોંગ્રેસ’ બનાવીઃ વાજપેયીની સરકારમાં રેલવે મંત્રી બન્યા હતા
File Photo
BJP-TMC કેવી રીતે બન્યાં એકબીજાના કટ્ટર હરિફ? એક સમયે હતા એકબીજાના સહયોગી
બંગાળમાં ડાબેરી શાસન સામે લડવા માટે ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા. મમતા બેનર્જીને સમજાયું કે જો તેમને બંગાળમાં સત્તા મેળવવી હોય, તો મુસ્લિમ મતો અનિવાર્ય છે.
પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ પોતાના કટ્ટર હરિફ તૃણમૂલ કોંગ્રેસને હરાવીને સત્તાહાંસલ કરી છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, જ્યારે એનડીએના શાસનમાં મમતા બેનર્જી કેન્દ્રીય મંત્રી હતા તે સમયે બંગાળ ભાજપમાં ટીએમસીનું એક જુનિયર પાર્ટનર તરીકે ઓળખાતુ હતું.
મમતા બેનર્જીએ દાયકાઓથી બંગાળમાં શાસન કરતા ડાબેરીના ગઢમાં ગાબડુ પાડવા માટે ભાજપા સાથે ગઠબંધન કર્યું હતું. સમય બદલાતાની સાથે બંગાળમાં શાસન પાપ્ત કરવા માટે અહીંના લઘુમતી કોમના ૩૦ ટકા જેટલા વોટ હાંસલ કરવા માટે ભાજપ સાથે અંતર વધારીને સેક્યુલર ઈમેજ બનાવવી હતી.
એટલું જ નહીં આ ઈમેજની મદદથી જ તેમણે વર્ષ ૨૦૧૧માં ડાબેરીઓના ગઢમાં ગાબડુ પાડીને સત્તા હાંસલ કરી હતી. તેમજ ૧૫ વર્ષ સુધી બંગાળમાં સરકાર ચલાવી હતી. જો કે, તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ મમતા બેનર્જીનો આખો ગઢ જ ધ્વસ્ત કરીને સત્તાપરિવર્તન કર્યું છે.
પશ્ચિમ બંગાળમાં લગભગ ૨૭% થી ૩૦% મુસ્લિમ મતદારો છે. મમતા બેનર્જીને સમજાયું કે જો તેમને બંગાળમાં સત્તા મેળવવી હોય, તો મુસ્લિમ મતો અનિવાર્ય છે. ભાજપની હિન્દુત્વવાદી વિચારધારા સાથે લાંબો સમય રહેવાથી તેમને લઘુમતી મતો ગુમાવવાનો ડર હતો. આથી, ૨૦૦૦ના દાયકાના મધ્યમાં તેમણે ધીરે ધીરે ભાજપથી અંતર જાળવવાનું શરૂ કર્યું અને સેક્યુલર ઈમેજ બનાવવી શરૂ કરી હતી.
ગઠબંધનનો યુગ (૧૯૯૮-૨૦૦૧ અને ૨૦૦૩-૨૦૦૪)- મમતા બેનર્જીએ જ્યારે કોંગ્રેસથી અલગ થઈને ‘તૃણમૂલ કોંગ્રેસ’ ની સ્થાપના કરી, ત્યારે તેમણે ડાબેરી શાસન સામે લડવા માટે ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા. અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેઓ રેલવે મંત્રી હતા. તે સમયે બંગાળમાં ભાજપ એક ‘જુનિયર પાર્ટનર’ તરીકે ઓળખાતું હતું.
મર્યાદિત જનાધારઃ તે સમયે પશ્ચિમ બંગાળમાં રાજકારણ મુખ્યત્વે ડાબેરી મોરચો અને તૃણમૂલ-ભાજપ ગઠબંધન વચ્ચે હતું. ભાજપનો પોતાનો સ્વતંત્ર જનાધાર ખૂબ જ સીમિત હતો. પાર્ટી મુખ્યત્વે શહેરી વિસ્તારો અને કેટલાક હિન્દી ભાષી પટ્ટાઓ પૂરતી મર્યાદિત હતી.
સંગઠનાત્મક નબળાઈઃ ૧૯૯૯ કે ૨૦૦૪ની આસપાસ ભાજપ પાસે બંગાળમાં મજબૂત પાયાનું સંગઠન નહોતું. ચૂંટણીઓમાં ભાજપ મમતા બેનર્જીના કરિશ્મા અને તેમની લોકપ્રિયતા પર વધુ નિર્ભર હતું. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ભાજપની હાજરી નહિવત જેવી હતી.
ચૂંટણી પ્રદર્શનઃ તે સમયે ભાજપને બંગાળમાં ભાગ્યે જ ૧ કે ૨ લોકસભા બેઠકો મળતી હતી (જેમ કે દમદમ બેઠક પરથી તપન સિકદર અને કૃષ્ણનગરથી સત્યવ્રત મુખર્જી). વિધાનસભામાં પણ ભાજપના ધારાસભ્યોની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી જ રહેતી.
વિચારધારા કરતાં વ્યુહરચના પર ભારઃ તે દિવસોમાં ભાજપનો મુખ્ય ઉદ્દેશ્ય ડાબેરીઓના અભેદ કિલ્લામાં ગાબડું પાડવાનો હતો. મમતા બેનર્જી ‘બંગાળના વાઘણ’ તરીકે ઉભરી રહ્યા હતા, તેથી ભાજપે તેમને ટેકો આપીને રાજ્યમાં પોતાની એન્ટ્રી માટે રસ્તો બનાવ્યો હતો.
વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં ફરીથી ભાજપાની સરકાર બની ત્યારે ફરીથી પશ્ચિમ બંગાળમાં ભાજપાને વધારે મજબુત બનાવવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેથી તે સમયે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ભાજપાને રાજકીય રીતે ઘેરવાની શરૂઆત કરી હતી.
આમ જ્યાં સુધી ભાજપ મમતા માટે એક નાના સહયોગી તરીકે હતો ત્યાં સુધી સંબંધો સારા હતા, પરંતુ જ્યારે ભાજપ મમતાની સત્તાને પડકારવા જેવો મોટો પક્ષ બની ગયો, ત્યારે બંને ‘મિત્ર’ માંથી ‘કટ્ટર હરિફ’ બની ગયા. જેની પરાકાષ્ઠા આપણે ૨૦૨૬ની ચૂંટણીમાં જોઈ જ્યાં ભાજપે ૨૦૭ બેઠકો જીતીને ્સ્ઝ્ર ને સત્તા બહાર કરી દીધી.
ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપાએ પશ્ચિમ બંગાળમાં સત્તા હાંસલ કરવા માટે અડીચોટીનું જોર લગાવ્યું હતું. ભાજપે બંગાળમાં ‘તુષ્ટિકરણ’ નો મુદ્દો ઉઠાવ્યો અને હિન્દુ મતોનું ધ્રુવીકરણ શરૂ કર્યું. બીજી તરફ, મમતા બેનર્જીએ ભાજપને ‘બહારી’ પાર્ટી ગણાવીને ‘બંગાળી અસ્મિતા’નો મુદ્દો આગળ ધર્યો. આ ટકરાવ એટલો વધ્યો કે તે માત્ર રાજકીય નહીં પણ વ્યક્તિગત હુમલાઓ સુધી પહોંચી ગયો હતો.
