Western Times News

Gujarati News

તમિલનાડુમાં TVKના વિજયની રાજ્યપાલ સાથે ત્રણ મુલાકાત પછી સરકાર બનાવવાનો રસ્તો મોકળો

તમિલનાડુના રાજ્યપાલને મળ્યા વિજય, સરકાર બનાવવા માટે દાવો રજૂ કર્યો

(એજન્સી) ચેન્નઈ, તમિલનાડુમાં પણ જે કોકડું ગૂંચવાયું હતું તેનો ઉકેલ આવી ગયો છે. શનિવારનો દિવસ રાજ્ય માટે ઐતિહાસિક રહેશે. નવી નવેલી પાર્ટી ટીવીકેના પ્રમુખ વિજય શનિવારે ૧૧ વાગે મુખ્યમંત્રી પદના શપથ લેશે અને આ સાથે જ રાજ્યને હવે નવા મુખ્યમંત્રી પણ મળશે.

શુક્રવારે મોડી સાંજે પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે તેમને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું. રાજ્યપાલ ભવનમાં થયેલી મુલાકાત બાદ વિજયે આ ઐતિહાસિક જવાબદારી સ્વીકારી. સૂત્રોના જણાવ્યાં મુજબ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ સામેલ થઈ શકે છે.

વિજયે ફિલ્મો છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો અને એવો પ્રવેશ કર્યો કે સીધા મુખ્યમંત્રી બનશે. તેમની પાર્ટી ટીવીકેને યુવાઓ, મહિલાઓ અને સામાન્ય જનતા વચ્ચે જબરદસ્ત સમર્થન મળ્યું છે. અભિનેતામાંથી નેતા બનવાની તેમની યાત્રાએ તમિલનાડુમાં રાજકારણમાં મોટો ફેરબદલ આણ્યો છે. લોકો હવે શિક્ષણ, વિકાસ, સ્વાસ્થ્ય અને રોજગાર જેવા મુદ્દાઓ પર નવી આશાઓ રાખીને બેઠા છે.

વિજયની આ ત્રણ દિવસમાં ત્રીજી મુલાકાત હતી. પહેલા બે વખત મળ્યા ત્યારે રાજ્યપાલે વિજયને કહ્યું કે બહુમત માટે આંકડો લઈને આવો. પહેલા ફક્ત કોંગ્રેસે જ સમર્થન આપ્યું હતું. છતાં બહુમત માટે આંકડો ખૂટતા હવે સીપીઆઈ, સીપીઆઈએમ, વીસીકે અને ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે પણ વિજયની ટીવીકેનું સમર્થન કરવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ હવે વિજય પાસે બહુમતના આંકડા કરતા વધુ ૧૨૦ ની સંખ્યા થઈ છે.

તમિલનાડુમાં ડીએમકેના નેતૃત્વવાળા ગઠબંધનમાં સામેલ બંને ડાબેરી પક્ષો માર્કવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈએમ) અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ) એ કહ્યું કે આ નિર્ણય ભાજપને રાજ્યમાં પાછલા બારણે પ્રવેશ કરતા રોકવા માટે લેવાયો છે. જો કે રાજ્યના અધિકારો મામલે તેઓ ડીએમકે સાથે જળવાઈ રહેશે. તેમણે કહ્યું કે તેઓ ટીવીકે મંત્રીમંડળનો ભાગ રહેશે નહીં. બંનેના બે-બે વિધાયકો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.