Western Times News

Gujarati News

જેતલપુરની નારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યુટમાં આયોજિત ભરતી મેળામાં 25 જેટલા યુવાનોની પ્રાથમિક પસંદગી

અમદાવાદના જેતલપુરમાં સાયબર ક્રાઇમ અને ફોરેન્સિક ક્ષેત્રના નિષ્ણાતો માટે રોજગાર ભરતી મેળો યોજાયો

અમદાવાદ જિલ્લાના જેતલપુર સ્થિત નારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ખાતે ગત તા. 7 મે, 2026ના રોજ સાયબર ક્રાઇમ અને ફોરેન્સિક સાયન્સ (FSL) ની શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનો માટે આણંદ જિલ્લાના મનરેગા લોકપાલ તથા પૂર્વ જિલ્લા રોજગાર અધિકારી શ્રી સુનિલ કુમાર વિજયવર્ગીયના અધ્યક્ષ સ્થાને વિશેષ રોજગાર ભરતી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી સુનિલ કુમાર વિજયવર્ગીયએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ફોરેન્સિક સાયન્સ અને સાયબર ક્રાઇમનું ક્ષેત્ર અત્યંત સંવેદનશીલ અને જવાબદારીપૂર્વકનું છે. તેમણે રોજગારવાંચ્છુ યુવાનોને પ્રેરણા આપતા કહ્યું હતું કે આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પ્રામાણિકતા, ન્યાય અને ઉત્તરદાયિત્વ જેવા પાયાના ગુણો અનિવાર્ય છે.

ગુનેગારોને સજા અપાવવા અને સાચા તહોમતદાર સામે ગુનો સાબિત કરવામાં ફોરેન્સિક નિષ્ણાતોની ભૂમિકા નિર્ણાયક રહેતી હોય છે, તેથી યુવાનોએ ચીવટપૂર્વક અને કાયદાકીય મર્યાદામાં રહી ખંતથી કાર્ય કરવું જોઈએ.

સરકાર દ્વારા રોજગારલક્ષી પ્રયાસોની વિગતો આપતા મહેમાનોએ જણાવ્યું હતું કે ભારત અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે અખબારી જાહેરાતો મારફતે સરકારી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

આ ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રની કંપનીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રોજગાર ભરતી મેળામાં કુલ 50 જેટલા લાયકાત ધરાવતા ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી 10 વિવિધ નોકરીદાતા કંપનીઓ દ્વારા કુલ 25 જેટલા તેજસ્વી યુવાનોની સ્થળ પર જ પસંદગી કરવામાં આવી હતી.

આ પ્રસંગે સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ધર્મેશભાઈ, કોલેજના આચાર્ય શ્રી શૈલેષભાઈ એયર તેમજ લાઇફ સાયન્સના ઓનર શ્રી બાબુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.