Western Times News

Gujarati News

સેમિકન્ડક્ટર હબ તરીકે ગુજરાત અગ્રેસર: દેશના કુલ 12 માંથી 6 પ્રોજેક્ટ્સ હવે માત્ર ગુજરાતમાં

પ્રતિકાત્મક

ધોલેરા અને સુરતને મળી મોટી ભેટ: રૂ. 3,936 કરોડના બે નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને કેન્દ્રની મંજૂરી

‘મેડ ઇન ગુજરાત’ ચિપ્સથી સજ્જ થશે સ્માર્ટફોન અને EV: ધોલેરામાં સ્થાપિત થશે દેશનું પ્રથમ કમ્પાઉન્ડ ફેબ્રિકેશન યુનિટ –નવા પ્રોજેક્ટ્સથી 2,230 થી વધુ હાઈ-ટેક નોકરીઓ ઊભી થશે

ગાંધીનગર,  કેન્દ્ર સરકારના ‘ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ હેઠળ મંજૂર કરાયેલા 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી હવે છ પ્રોજેક્ટ્સ ગુજરાતમાં સ્થિત છે. કેન્દ્રીય કેબિનેટે રાજ્ય માટે રૂ. 3,936 કરોડના વધારાના બે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, તેમ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ શનિવારે જણાવ્યું હતું.

નવા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સમાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) ખાતે ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડ દ્વારા રૂ. 3,068 કરોડનું રોકાણ અને સુરતમાં સુચી સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ (SSPL) દ્વારા રૂ. 868 કરોડના રોકાણનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા 2,230 થી વધુ હાઈ-ટેકનોલોજી નોકરીઓ અને હજારો પરોક્ષ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે.

આ મંજૂરીઓ અંગે પ્રતિક્રિયા આપતા મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત દેશમાં સેમિકન્ડક્ટર રોકાણ માટે અગ્રણી સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું, “ભારતમાં ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલા કુલ 12 પ્રોજેક્ટ્સમાંથી છ પ્રોજેક્ટ ગુજરાતમાં આવ્યા છે, જે રાજ્યને આ ક્ષેત્રનું અગ્રણી હબ બનાવે છે.”

મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતે સમર્પિત સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનીને આ ક્ષેત્રમાં વહેલી તકે સરસાઈ મેળવી લીધી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં, નવા મંજૂર થયેલા બે પ્રોજેક્ટ્સ ઉપરાંત આશરે રૂ. 1.24 લાખ કરોડના ચાર મુખ્ય સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ રાજ્યમાં પહેલેથી જ આકાર લઈ રહ્યા છે.

મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળની નવીનતમ મંજૂરીઓ ગુજરાતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે અને રાજ્યને ભારતમાં ચિપ ઉત્પાદન માટેના મહત્વના કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે. તેમણે નોંધ્યું હતું કે, “કેન્દ્ર સરકારના નિર્ણયથી ગુજરાતમાં ચિપ ડિઝાઇનિંગ અને ફેબ્રિકેશનથી લઈને પેકેજિંગ અને ટેસ્ટિંગ સુધીની સંપૂર્ણ સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઈન મજબૂત થઈ છે.”

ધોલેરા પ્રોજેક્ટની વિગતો આપતા મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડ ધોલેરા SIRમાં દેશની પ્રથમ ‘કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન’ સુવિધા સ્થાપશે. આ ફેસિલિટી ગેલિયમ નાઈટ્રાઈડ (GaN) ટેકનોલોજી પર આધારિત મિની અને માઈક્રો-LED ડિસ્પ્લેનું ઉત્પાદન કરશે, જે હાલમાં ભારતમાં આયાત કરવામાં આવે છે. આ પ્લાન્ટ વાર્ષિક 72,000 ચોરસ મીટર ડિસ્પ્લે પેનલ અને 24,000 સેટ RGB વેફર્સનું ઉત્પાદન કરશે. ભવિષ્યમાં સ્માર્ટફોન, ઈલેક્ટ્રિક વાહનોના ડેશબોર્ડ અને હાઈ-એન્ડ ટેલિવિઝન સ્ક્રીન્સ ‘મેડ ઇન ગુજરાત’ ચિપ્સથી સજ્જ હશે.

બીજા પ્રોજેક્ટ હેઠળ, સુચી સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ સુરતમાં રૂ. 868 કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ (OSAT) સુવિધા સ્થાપશે. આ સુવિધા વાર્ષિક 103.03 કરોડથી વધુ સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરશે, જે ઓટોમોબાઈલ અને ઇન્ડસ્ટ્રિયલ ઓટોમેશન ક્ષેત્રની માંગને પહોંચી વળવામાં મદદ કરશે. મંત્રીએ ઉમેર્યું હતું કે હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું સુરત હવે હાઈ-ટેકનોલોજી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના કેન્દ્ર તરીકે પણ ઉભરી રહ્યું છે.

ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) રોકાણકારો માટે સિંગલ-વિન્ડો ફેસિલિટેટર તરીકે કામ કરી રહ્યું છે અને વહીવટી પ્રક્રિયાઓને સરળ બનાવી રહ્યું છે. GSEM બંને કંપનીઓને જમીન ફાળવણી, પાણી પુરવઠો, વીજળી અને અન્ય માળખાગત સુવિધાઓમાં સહયોગ આપશે જેથી પ્રોજેક્ટ્સ સમયસર અમલમાં મૂકી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.