Western Times News

Gujarati News

ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા

weather forecast

અનેક રાજ્યોમાં વરસાદી ગતિવિધિઓ વધશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં ૧૪થી ૧૭ મે વચ્ચે ભારે વરસાદ થઈ શકે છે

નવી દિલ્હી, દેશમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું દસ્તક દઈ શકે છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું ૧ જૂન સુધીમાં પહોંચે છે, પરંતુ આ વખતે તે સમય પહેલા દસ્તક દઈ શકે છે. હવામાન વિભાગ તેમજ નિષ્ણાતોનું માનવું છે કે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને આંદામાન સાગરમાં ચોમાસાના વહેલા આગમન માટે પરિસ્થિતિઓ અનુકૂળ સાબિત થઈ શકે છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સક્રિય બન્યું છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે વર્તમાન પરિસ્થિતિઓ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને આંદામાન સાગરમાં ચોમાસાના વહેલા આગમન માટે અત્યંત અનુકૂળ બની રહી છે.

બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં એક લો-પ્રેશર એરિયા એટલે કે હળવું દબાણ સર્જાયું છે, જે આગામી થોડા કલાકોમાં વધુ મજબૂત થવાની સંભાવના છે. આ સિસ્ટમની અસરથી દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વરસાદી ગતિવિધિઓ વધશે. સાથે જ આ સિસ્ટમથી ચોમાસું ઉત્તર દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે.ભારતીય હવામાન વિભાગે(IMD) જણાવ્યું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટે પરિસ્થિતિઓ ઝડપથી અનુકૂળ બની રહી છે. સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સાગર અને આંદામાન-નિકોબાર ટાપુઓના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે.

આ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં વરસાદ, વાવાઝોડું, વીજળી પડવી, કરા પડવા અને કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમીની મિશ્ર અસર જોવા મળશે. દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને શ્રીલંકાના ઉત્તરી કિનારા પાસે સર્જાયેલું લો-પ્રેશર હવે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે આંદામાન-નિકોબાર ટાપુઓ અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની આશંકા છે.યુપી-બિહાર સહિત પાંચ રાજ્યોમાં ૧૨ મેના રોજ વાવાઝોડા અને વરસાદનું ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહાર અને ઉત્તરાખંડના તમામ જિલ્લાઓમાં જ્યારે ઉત્તર પ્રદેશના ૩૮ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વાવાઝોડા અને વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી બે દિવસ માટે રાજ્યમાં આૅરેન્જ અને યલો ઍલર્ટ આપ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરના પવનોમાં ચક્રવાતી સ્વરૂપે બનેલું છે. તેની અસરથી ૧૨થી ૧૫ મે સુધી દિલ્હી, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ગાજવીજ સાથે પવનની ગતિ ૩૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. પૂર્વ રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું આવવાની પણ આશંકા છે.

પહાડી રાજ્યો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ રહી શકે છે. કેટલાક સ્થળોએ કરા પડવાની પણ સંભાવના છે, જેનાથી ફળો અને શાકભાજીના પાકને નુકસાન થઈ શકે છે.દક્ષિણ ભારત અને પૂર્વાેત્તરના અનેક રાજ્યોમાં વરસાદનો દોર ચાલુ રહેવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં ૧૪થી ૧૭ મે વચ્ચે ભારે વરસાદ થઈ શકે છે. બીજી તરફ, આસામ, મેઘાલય અને મણિપુર સહિત અન્ય પૂર્વાેત્તર રાજ્યોમાં પણ અનેક સ્થળોએ સારો વરસાદ થવાની સંભાવના છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.