Western Times News

Gujarati News

PM મોદીની અપીલ બાદ માત્ર 2 કાર સાથે ગુજરાતના CM રાજુલા પહોંચ્યા

(એજન્સી)ગાંધીનગર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ જનતાને પડતી અગવડતા દૂર કરવા અને સાદગી અપનાવવા માટે વીવીઆઈપી કલ્ચર ઘટાડવાની અપીલ કરી હતી. આ અપીલને પગલે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોતાના પ્રોટોકોલમાં મોટો ફેરફાર કરીને એક નવી મિસાલ કાયમ કરી છે. સાથે જ રાજ્યપાલ પણ હવે પોતાની દરેક યાત્રા એસટી બસ અને ટ્રેનમાં કરશે. અમરેલી જિલ્લાના રાજુલા ખાતે ૨૨ કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક ૧૦૮ બેડની હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ કરવા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વીઆઈપી કલ્ચર ઘટાડવાની અપીલને અક્ષરશઃ સાર્થક કરી બતાવી છે.

સામાન્ય રીતે ૧૦થી વધુ વાહનોના લશ્કરી કાફલા સાથે ફરતા મુખ્યમંત્રીએ શિસ્તનું ઉદાહરણ પૂરું પાડતા માત્ર બે જ કાર સાથે રાજુલા પહોંચીને સૌને ચોંકાવી દીધા હતા. સામાન્ય રીતે મુખ્યમંત્રીનો કાફલો ડઝનબંધ ગાડીઓથી ભરેલો હોય છે, પરંતુ હવે તેમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માત્ર ત્રણ કારના કાફલા સાથે ગાંધીનગર નિવાસ્થાને પહોંચ્યા હતા.

કાફલામાં સામેલ ગાડીઓની વાત કરીએ તો તેમાં એક પાયલોટિંગ કાર. ત્યારબાદ મુખ્યમંત્રીની પોતાની કાર અને સુરક્ષા કર્મીઓની એક ગાડીનો સમાવેશ થાય છે. આ નિર્ણયથી રસ્તા પર સામાન્ય જનતાને ટ્રાફિકમાં ઊભા રહેવું નહીં પડે અને વીવીઆઈપી મૂવમેન્ટ દરમિયાન થતી અગવડતામાં પણ ઘટાડો થશે.

રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. હવે સુરક્ષા કેટેગરીમાં ન આવતા વીવીઆઈપી લોકોને વધારાની પાયલોટિંગ કે કોન્વોયની સુવિધા ફાળવવામાં આવશે નહીં. સુરક્ષાની દ્રષ્ટિએ કેટેગરી અને નોન-કેટેગરી એમ બે ભાગ હોય છે. રાજ્ય મંત્રીમંડળના સભ્યો નોન-કેટેગરી માં આવતા હોવાથી હવે તેમને સ્પેશિયલ કોન્વોય કે પાયલોટિંગ કારની સુવિધા આપવામાં આવશે નહીં. માત્ર સુરક્ષાના પ્રોટોકોલ મુજબ જ જરૂરી વ્યવસ્થા રાખવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.