Western Times News

Gujarati News

AMC: ચૂંટણી પરિણામના 15 દિવસ બાદ પણ મેયર-ચેરમેનની નિમણૂક મામલે BJPમાં અસમંજસની સ્થિતિ

AI Image

કોકડું ગુંચવાયું હોવાની ચર્ચા: નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં પણ પ્રમુખોની નિમણૂક કરવામાં નિર્ણય લઈ શકાયો નથી

હજી પદગ્રહણ ઝડપથી નજીકના દિવસોમાં થાય તેવી કોઈ સંભાવના જોવા મળી રહી નથી.

(પ્રતિનિધિ) અમદાવાદ,  ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ 28 એપ્રિલના રોજ આવ્યા હતા. મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતોમાં ભાજપની ભવ્ય જીત થઈ છે

ત્યારે નાગરિકોના કામો માટે સ્થાનિક સ્વરાજ્યમાં સત્તા મેળવનાર ગુજરાત ભાજપ હજી સુધી 15 મહાનગરપાલિકાઓમાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કોની કરવી તે અંગે નિર્ણય લઈ શકી નથી. નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં પણ પ્રમુખોની નિમણૂક કરવામાં ભાજપના નેતાઓમાં કોકડું ગુંચવાયું હોવાની ચર્ચા છે.

ચૂંટણી પરિણામના 15 દિવસમાં મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત કરી દેવામાં આવતી હોય છે પરંતુ ગુજરાત પ્રદેશના નેતાઓ ચૂંટણી પરિણામના 16 દિવસ બાદ પણ હજી સુધી મેયર સહિતના નેતાઓ જાહેર કરી શક્યા નથી. છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં પરિણામ આવ્યાના 15 દિવસમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા સહિતના હોદ્દેદારોની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.

મેયર સહિતના પદાધિકારીઓ પોતાનો હોદ્દો ગ્રહણ કરી ચૂક્યા હોય છે પરંતુ વર્ષ 2026 ની ચૂંટણીના 15 દિવસ બાદ પણ હજી સુધી ગુજરાત પ્રદેશ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ મેયર સહિતના પદાધિકારીઓના નામ નક્કી કરી શક્યું નથી.

અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર સહિત મહાનગરપાલિકાઓમાં મ્યુનિસિપલ કમિશનરો સામાન્ય સભા બોલાવવા અંગે ગુજરાત પ્રદેશ ભાજપ તરફથી જાણ કરવા અંગેની રાહ જોઈ રહી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં વર્ષ 2015માં 2 ડિસેમ્બરના રોજ પરિણામ આવ્યું હતું અને 14 ડિસેમ્બર 2015 ના રોજ મેયર તરીકે ગૌતમ શાહને જાહેર કરવામાં આવ્યા અને તેઓએ પદગ્રહણ કરી લીધું હતું.

વર્ષ 2021માં કોરોના હોવા છતાં પણ માત્ર 14 દિવસમાં જ મેયર પદ નક્કી કરી અને ચૂંટણી પ્રક્રિયા કરી દેવાઈ હતી. 23 ફેબ્રુઆરી 2021ના રોજ પરિણામ આવ્યા બાદ 10 માર્ચ 2021ના રોજ મેયર કિરીટ પરમાર સહિતના હોદ્દેદારો દ્વારા પદગ્રહણ કરી લેવામાં આવ્યું હતું.

વર્ષ 2026ની ચૂંટણીમાં 28 એપ્રિલના રોજ પરિણામ આવી ચૂક્યું છે પરંતુ ગુજરાત પ્રદેશ ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડના ચાર દિવસ મળ્યાં બાદ પણ હજી સુધી મહાનગરપાલિકામાં મેયર સહિતના પદાધિકારીઓ અંગે કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી જેના કારણે થઈને મહાનગરપાલિકાઓમાં મ્યુનિસિપલ કમિશનરો સામાન્ય સભા બોલાવી શક્યા નથી.

સામાન્ય સભા બોલાવવા માટે ત્રણ દિવસ અગાઉ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કમિશનર દ્વારા જાણ કરવામાં આવે છે અને ત્યારબાદ ચૂંટણીએ પ્રક્રિયા કરવાની હોય છે જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ફોર્મ ભરવામાં આવે છે. જે બાદ સામાન્ય સભા બોલાવવામાં આવતી હોય છે.

આજે 14 મે ના રોજ હજી સુધી મહાનગરપાલિકાઓમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી અને મ્યુનિસિપલ કમિશનરો દ્વારા સામાન્ય સભા બોલાવવા અંગે જાહેરાત નથી કરાઈ ત્યારે હજી સુધી આગામી 19 મે (સોમવાર) સુધી અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર સહિતની મહાનગરપાલિકાઓમાં મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત થઈ શકશે નહીં.

નવી બનેલી સાત જેટલી મહાનગરપાલિકાઓમાં પાંચ જેટલી મહાનગરપાલિકાઓમાં મ્યુનિસિપલ કમિશનરોની બદલીઓ બે દિવસ પહેલા જ કરવામાં આવી છે જેના કારણે થઈને નવા મ્યુનિસિપલ કમિશનરો હવે પદગ્રહણ કરે અને મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રક્રિયા જાણે ત્યારબાદ જ સામાન્ય સભા બોલાવવામાં આવશે જેથી નવા કમિશનર અને નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિમણૂક થશે પરંતુ હજી પદગ્રહણ ઝડપથી થાય તેવી કોઈ સંભાવના જોવા મળી રહી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.