બાંગ્લાદેશમાં ઓરીનો કહેર: વધુ 12 બાળકોના મોત સાથે કુલ મૃત્યુઆંક ૪૫૧ પર પહોંચ્યો
ગયા વર્ષે અપૂરતું રસીકરણ (Vaccination) અને બાળકોમાં કુપોષણ આ રોગચાળો વકરવાના મુખ્ય કારણો છે
ઢાકા, બાંગ્લાદેશમાં ઓરી (Measles) નો પ્રકોપ સતત વધી રહ્યો છે અને સ્વાસ્થ્ય સંકટ વધુ ઘેરૂ બન્યું છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, દેશમાં ઓરી અને તેના જેવા લક્ષણોને કારણે વધુ ૧૨ બાળકોના મોત થયા છે, જેની સાથે જ પુષ્ટિ થયેલા અને શંકાસ્પદ મોતોનો કુલ આંકડો વધીને ૪૫૧ પર પહોંચી ગયો છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (DGHS) ના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે પૂરા થતા ૨૪ કલાકમાં આ મોતો નોંધાયા છે. બાંગ્લાદેશના અગ્રણી અખબાર ‘ધ ડેઇલી સ્ટાર’ ના અહેવાલ મુજબ, આ ૧૨ મોતમાંથી ૪ ઓરીના પુષ્ટિ થયેલા કેસ હતા, જ્યારે બાકીના ૮ બાળકોના મોત ઓરી જેવા જ લક્ષણો ધરાવતી બીમારીના કારણે થયા છે. આ જ સમયગાળા દરમિયાન ઓરીના ૧૧૧ નવા કન્ફર્મ કેસ નોંધાયા છે અને લક્ષણો ધરાવતા ૧,૦૧૬ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રસીકરણમાં બેદરકારી પર ઉઠ્યા સવાલો, મોહમ્મદ યુનુસ સામે વિરોધ આરોગ્ય નિષ્ણાતોના મતે, ગયા વર્ષે અપૂરતું રસીકરણ (Vaccination) અને બાળકોમાં કુપોષણ આ રોગચાળો વકરવાના મુખ્ય કારણો છે. મધ્ય માર્ચથી અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ લોકોના મોત થતાં આ આઉટબ્રેકને “અટકાવી શકાય તેવી આપત્તિ” ગણાવવામાં આવી રહી છે.
આ ગંભીર સ્થિતિ વચ્ચે, બુધવારે ઢાકાના ધાનમંડી ૨૭ વિસ્તારમાં ‘સચેતન નાગરિક સમાજ’ ના નેજા હેઠળ પ્રદર્શનકારીઓએ માનવ સાંકળ રચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ આ ઓરીના કારણે થયેલા મોતો માટે પૂર્વ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ અને તેમના સ્વાસ્થ્ય સલાહકાર નૂરજહાં બેગમ સામે ટ્રાયલ (કેસ ચલાવવાની) ચલાવવાની અને પીડિત પરિવારોને વળતર આપવાની માંગ કરી છે.
અહેવાલોમાં આક્ષેપ કરાયો છે કે યુનુસની આગેવાની હેઠળની અગાઉની વચગાળાની સરકારે રસી ખરીદીની કાર્યક્ષમ પ્રણાલીને ખોરવી નાખી હતી, જેના કારણે આ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ‘ધ ડેઇલી સ્ટાર’ ના એક તંત્રીલેખમાં નોંધવામાં આવ્યું છે કે, “છેલ્લા બે દાયકાથી દેશમાં ઓરીનું રસીકરણ સતત વધી રહ્યું હતું અને તે અન્ય ઓછી આવક ધરાવતા દેશો માટે આંતરરાષ્ટ્રીય મોડેલ સમાન હતું. પરંતુ અગાઉની વચગાળાની સરકારની ચોંકાવનારી બેદરકારીને કારણે આ સિદ્ધિ પર પાણી ફરી વળ્યું છે.”
