Western Times News

Gujarati News

અનુસૂચિત જાતિના કુમાર વિદ્યાર્થીઓ માટે રૂ. ૧૮ કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને મંજૂરી

OBC EBC DNT Scholarship

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હેઠળ વાર્ષિક રૂ. ૨.૫૦ લાખથી રૂ. ૬.૦૦ લાખ સુધીની આવક ધરાવતા અનુસૂચિત જાતિના પરિવારોના ૩ હજાર કુમાર વિદ્યાર્થીઓને મળશે સીધો લાભ

ગાંધીનગર, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત અનુસૂચિત જાતિના કુમાર વિદ્યાર્થીઓ માટે રૂ. ૧૮ કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને વહીવટી મંજૂરી આપી છે, તેમ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની યાદીમાં જણાવાયું છે.

અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, અત્યાર સુધી માત્ર રૂ.૨.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક મર્યાદા ધરાવતા અનુસૂચિત જાતિના કુમાર વિદ્યાર્થીઓને જ કેન્દ્ર પુરસ્કૃત યોજનાનો લાભ મળવાપાત્ર હતો. જોકે, મધ્યમ વર્ગના પરિવારોના હિતને ધ્યાને રાખી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ આવક મર્યાદા વધારીને ₹૬.૦૦ લાખ કરવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે. હવે રૂ.૨.૫૦ લાખથી રૂ.૬.૦૦ લાખ સુધીની આવક ધરાવતા અનુસૂચિત જાતિના કુમાર વિદ્યાર્થીઓને પણ રાજ્ય ફંડમાંથી શિષ્યવૃત્તિ આપવામાં આવશે, જેનાથી આ વર્ષે અંદાજે ૩,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ લાભાન્વિત થશે.

આ યોજના “કેન્દ્ર સરકારશ્રીની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના”ની ગાઈડલાઈન મુજબ જ અમલી બનશે. આ સાથે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને એકેડેમિક એલાઉન્સ તેમજ માન્ય નોન-રીફન્ડેબલ ફી ચૂકવવામાં આવશે. શિષ્યવૃત્તિની આ સહાય સીધી જ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં Direct Benefit Transfer -DBT પદ્ધતિથી જમા કરવામાં આવશે.

શિષ્યવૃત્તિ યોજનાની મુખ્ય શરતો અને પાત્રતાના ધોરણો

•  ધોરણ-૧૦ અથવા ૧૨ પછીના ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો માટે ધોરણ-૧૦ અથવા ૧૨ની પરીક્ષામાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ધોરણ-૧૨માં ૫૦% કે તેથી વધુ ગુણ હોવા જરૂરી છે. આ ઉપરાંત, ઉચ્ચ અભ્યાસ માટે ડિગ્રી કે ડિપ્લોમા સ્તરે પણ ૫૦% કે તેથી વધુ માર્ક્સનું ધોરણ જાળવવાનું રહેશે.

•  યોજના અંતર્ગત અરજી કરવાથી લઈને મંજૂરી આપવા સુધીની તમામ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે. નાણાકીય સહાય માટે નિયત સમયાંતરે DBT પદ્ધતિ, DBT પોર્ટલ તેમજ C.M. Dashboard અપનાવવાનું રહેશે. જો સાધન કે કીટ આપવાના કિસ્સા ઊભા થાય, તો તેની ખરીદી GeM મારફતે જ કરવાની રહેશે.

•  આ યોજનાનો લાભ અંદાજપત્રીય જોગવાઈ અને નિયત થયેલા લાભાર્થીઓની સંખ્યા -૩,૦૦૦ કુમાર વિદ્યાર્થીઓની મર્યાદામાં જ ચૂકવવાનો રહેશે, જેની સંપૂર્ણ તકેદારી નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણે રાખવાની રહેશે. આ યોજનાના યોગ્ય મોનીટરીંગ માટે સમયાંતરે સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન કરાવીને તેનો અહેવાલ રાજ્ય સરકારને રજૂ કરવાનો રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.