આંધ્રપ્રદેશમાં રોયલ એનફિલ્ડનો પ્રવેશ: ૨,૫૦૦ કરોડનું રોકાણ અને ૧૫,૦૦૦ રોજગારી સાથે સ્થપાશે મેગા પ્લાન્ટ
આ પ્રોજેક્ટ અંતર્ગત કંપની આશરે ₹૨,૫૦૦ કરોડનું રોકાણ કરશે, જેનાથી વાર્ષિક ૯ લાખ મોટરસાઇકલ બનાવવાની ક્ષમતા ઊભી થશે.
અમરાવતી: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા રાજ્યમાં પ્રખ્યાત ઓટોમોબાઈલ કંપની ‘રોયલ એનફિલ્ડ’ (Royal Enfield) ના નવા મેગા પ્રોજેક્ટનું સ્વાગત કર્યું છે. મુખ્યમંત્રીએ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ (CEO) બી. ગોવિંદરાજનના નેતૃત્વમાં આવેલા પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કર્યા બાદ આ પ્રોજેક્ટની વિગતો શેર કરી હતી.
તિરુપતિ જિલ્લામાં બનશે અદભુત ઓટોમોબાઈલ ઈકોસિસ્ટમ મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, રોયલ એનફિલ્ડ દ્વારા તિરુપતિ જિલ્લાના સત્યવેદુ મંડળના વાનેલુરુ અને રાલ્લાકુપ્પમ ગામોમાં એક સંકલિત મોટરસાઇકલ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે.
Andhra Pradesh CM Chandrababu Naidu delighted to met the delegation led by Managing Director & CEO Shri B. Govindarajan to discuss Royal Enfield’s proposed integrated motorcycle manufacturing project at Vaneluru and Rallakuppam villages in Satyavedu Mandal, Tirupati district.
આ પ્રોજેક્ટ અંતર્ગત કંપની આશરે ₹૨,૫૦૦ કરોડનું તોતિંગ રોકાણ કરશે, જેનાથી વાર્ષિક ૯ લાખ મોટરસાઇકલ બનાવવાની ક્ષમતા ઊભી થશે. આ પ્લાન્ટમાં અત્યાધુનિક ઉત્પાદન સુવિધા ઉપરાંત સ્પેશિયલ ટેસ્ટિંગ ટ્રેક, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) સેન્ટર અને સમર્પિત વેન્ડર પાર્ક ઈકોસિસ્ટમનો સમાવેશ થાય છે.

૧૫,૦૦૦ લોકોને મળશે રોજગારી આ વિશાળ પ્રોજેક્ટના કારણે આંધ્રપ્રદેશમાં આશરે ૧૫,૦૦૦ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે, જે આ પ્રદેશમાં આર્થિક પ્રવૃત્તિઓ અને ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપશે.
૨૪ મહિનાનું કામ ૧૮ મહિનામાં પૂરું કરવાનું લક્ષ્ય મુખ્યમંત્રીએ કંપનીને આંધ્રપ્રદેશ સરકાર તરફથી ઝડપી મંજૂરીઓ (Clearances) અને વહીવટી સહયોગની ખાતરી આપી છે. તેમણે જણાવ્યું કે, “અમારો હેતુ આ પ્રોજેક્ટને પ્રસ્તાવિત ૨૪ મહિનાના બદલે માત્ર ૧૮ મહિનામાં જ પૂર્ણ કરવામાં મદદ કરવાનો છે. સરકારની ‘સ્પીડ ઓફ ડુઇંગ બિઝનેસ’ (Speed of Doing Business) ની નીતિને કારણે પ્રોજેક્ટ ઝડપથી આગળ વધશે, અને હવે રોયલ એનફિલ્ડે પણ પ્રોજેક્ટના અમલીકરણમાં આ જ ઝડપ બતાવવી પડશે.”
ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) અને ગ્રીન એનર્જી પર વિશેષ ભાર આ બેઠક દરમિયાન સીએમ નાયડુએ રોયલ એનફિલ્ડની પ્રથમ ઈલેક્ટ્રિક મોટરસાઈકલ ‘ફ્લાઈંગ ફ્લી C6’ (Flying Flea C6 – FF.C6) વિશે પણ રસપૂર્વક માહિતી મેળવી હતી. આ સાથે જ આંધ્રપ્રદેશમાં સોલાર, વિન્ડ, પમ્પ્ડ સ્ટોરેજ અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS) જેવા ગ્રીન એનર્જી ક્ષેત્રોમાં રાજ્યની અગ્રણી ભૂમિકા અને ટકાઉ ગતિશીલતા (Sustainable Mobility) ના ભવિષ્ય વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, જ્યારે ભારત ક્લીન એનર્જી અને ગતિશીલતા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આંધ્રપ્રદેશ ફ્યુચર મોબિલિટી, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અને ગ્રીન ઇન્ડસ્ટ્રિયલ ગ્રોથના મુખ્ય હબ તરીકે ઉભરી આવવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પોલિસી સપોર્ટ પૂરો પાડવા સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
