Western Times News

Gujarati News

ચાંદીપુરમાં નિબે લિમિટેડે સૂર્યાસ્ત્ર ગાઇડેડ રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ

(એજન્સી) નવી દિલ્હી, ભારતની સૈન્ય તાકાત હવે માત્ર બ્રહ્મોસ મિસાઈલ પૂરતી સીમિત નથી રહી. દેશે હવે એક એવી સ્વદેશી લાંબા અંતરની રોકેટ સિસ્ટમ તૈયાર કરી છે, જે ૩૦૦ કિલોમીટર દૂર બેઠેલા દુશ્મનને માત્ર બે મીટરની સચોટતાથી નિશાન બનાવી શકે છે.

ઓડિશાના ચાંદીપુર ટેસ્ટ રેન્જમાં ખાનગી ભારતીય કંપની નિબે લિમિટેડએ ‘સૂર્યાસ્ત્ર’ રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. આનાથી પાકિસ્તાનની ચિંતા વધી ગઈ છે. સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે જો આ સિસ્ટમ મોટા પાયે ભારતીય સેનામાં સામેલ કરવામાં આવે, તો સરહદ પાર બેઠેલા દુશ્મનના કમાન્ડ સેન્ટર, રડાર સ્ટેશન અને સૈન્ય ઠેકાણાઓને પહેલા કરતાં વધુ સચોટતાથી નિશાન બનાવી શકાશે.

ભારતે સૂર્યાસ્ત્રના બે વેરિઅન્ટ- ૧૫૦ કિલોમીટર અને ૩૦૦ કિલોમીટર રેન્જ ધરાવતી ગાઇડેડ રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. બંને રોકેટોએ પોતાના લક્ષ્ય પર અત્યંત સચોટ હુમલો કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર ૧૫૦ કિલોમીટરવાળા વેરિઅન્ટનો સર્ક્‌યુલર એરર પ્રોબેબલ માત્ર ૧.૫ મીટર રહ્યો, જ્યારે ૩૦૦ કિલોમીટર રેન્જવાળા વેરિઅન્ટે માત્ર બે મીટરની ત્રુટિ સાથે લક્ષ્યને ભેદ્યું હતું. સૈન્ય જગતમાં આટલી સચોટતા અત્યંત ખતરનાક માનવામાં આવે છે.

સૂર્યાસ્ત્ર એક લોન્ગ રેન્જ ગાઇડેડ રોકેટ આર્ટિલરી સિસ્ટમ છે, જેને દુશ્મનના મહત્વના સૈન્ય ઠેકાણાઓ પર ઝડપી અને સચોટ હુમલો કરવા માટે વિકસાવવામાં આવી છે. આ પરંપરાગત તોપોની જેમ માત્ર ભારે ગોળા નથી દાગતી, પરંતુ એડવાન્સ ગાઇડન્સ અને નેવિગેશન ટેકનોલોજી દ્વારા લક્ષ્ય સુધી પહોંચે છે.

૧૫૦ કિલોમીટરવાળું વેરિઅન્ટ ટેક્ટિકલ બેટલફિલ્ડ સપોર્ટ માટે તૈયાર કરવામાં આવ્યું છે, એટલે કે યુદ્ધક્ષેત્રની આસપાસ દુશ્મનની ગતિવિધિઓને ખતમ કરવા માટે. વળી ૩૦૦ કિલોમીટર રેન્જવાળું વેરિઅન્ટ ભારતની ડીપ સ્ટ્રાઈક કેપેબિલિટીને નવી તાકાત આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.