Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રમાં ડીઝલની અછત શરૂ: ખેડૂતો-વાહનચાલકોની પરેશાનીમાં વધારો

રાજકોટ, સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર અને અમરેલી જિલ્લામાં ડીઝલની ભારે અછત સર્જાઈ હતી. જેના કારણે ખેડૂતો અને સામાન્ય વાહનચાલકો મોટી મુશ્કેલીમાં મુકાયા હતા.

ચોમાસું નજીક હોવાથી ખેડૂતો ખેતરોમાં ટ્રેક્ટર દ્વારા જમીન તૈયાર કરવાની કામગીરીમાં વ્યસ્ત હતા, પરંતુ બરાબર સીઝન ટાણે જ ઇંધણ ન મળતા ખેડૂતોમાં તીવ્ર આક્રોશ જોવા મળ્યો હતો. અનેક પેટ્રોલ પંપ પર ડીઝલ ખૂટી જતાં ખેડૂતોને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.

આ અછતના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ પંપ પર એકત્રિત થઈ ‘ભારત માતાની જય’ અને ‘વંદે માતરમ્’ ના નારા લગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા.જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકા સહિતના શહેરી વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બની હતી.

આ અંગે એક કાર્યરત પંપના સંચાલક મહેતાભાઈએ જણાવ્યું હતું કે, આસપાસના પંપોમાં જથ્થો ન હોવાથી અમારે ત્યાં ભારે ટ્રાફિક રહ્યો હતો. પોરબંદર શહેરના પેટ્રોલપંપ ખાતે સવારથી તો કેટલાક પંપ ખાતે રવિવારે સાંજથી જ ડીઝલ ખાલી થયું હતું.

જેને પગલે વાહન ચાલકોમાં ડીઝલ ખરીદવા દોડાદોડી થઈ હતી. અમરેલી જિલ્લામાં કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ ટ્રેક્ટરો અને અન્ય વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.

રાજુલા, અમરેલી, સાવરકુંડલા અને લાઠી સહિતના પંથકોમાં ડીઝલ મેળવવા માટે ખેડૂતો ટ્રેક્ટર, કેરબા અને બેરલ લઈને કલાકો સુધી રાહ જોઈ રહ્યા હતા. ઉનાળુ પાક માટે સિંચાઈ અત્યંત જરૂરી હતી, પરંતુ ડીઝલના અભાવે પંપસેટ અને અન્ય કૃષિ સાધનો ચલાવી શકાયા ન હતા. જો સમયસર ઈંધણ ઉપલબ્ધ નહીં થાય તો કાળઝાળ ગરમીમાં પાક સુકાઈ જવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.