વિશ્વમાં ગુંજી અમદાવાદની ‘સૌદાગરી કળા’, સરકારી પીઠબળથી છીપા સમુદાયની મહિલાઓ વૈશ્વિક મંચ પર ચમકી
અમદાવાદની ‘સૌદાગરી પ્રિન્ટ’ને જી.આઈ. ટેગ બાદ વૈશ્વિક કલાકારો અને ડિઝાઈનર્સ માટે આ કળા બની આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદના જમાલપુરથી ફ્રાન્સના ફિલ્મ ફેસ્ટિવલ સુધી છવાઈ સોદાગરી પ્રિન્ટની કળા
ગુજરાતનું ઐતિહાસિક શહેર અમદાવાદ માત્ર તેની આધુનિક કાપડ મિલો માટે જ નહીં, પરંતુ તેના ભવ્ય અને સમૃદ્ધ હસ્તકલાના વારસા માટે પણ જગવિખ્યાત છે. ‘માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ’ તરીકે ઓળખાતા આ શહેરની સાંકડી ગલીઓમાં છેલ્લા કેટલાય દાયકાઓથી વિસરાઈ ગયેલી 300 વર્ષ જૂની ‘સૌદાગરી બ્લોક પ્રિન્ટિંગ’ કળાને હવે એક નવું સત્તાવાર જીવન મળ્યું છે.
વર્ષ 2023માં ભારત સરકારના ભૌગોલિક સંકેત રજિસ્ટ્રી દ્વારા આ અદ્ભુત હસ્તકલાને સત્તાવાર રીતે જી.આઈ. ટેગ (Geographical Indication Tag) એનાયત કરવામાં આવ્યો છે. અમદાવાદના જમાલપુર ખાતે કાર્યરત ‘બંગલાવાલા મહિલા ગૃહ ઉદ્યોગ સહકારી મંડળી’ના નામે આ જી.આઈ. ટેગ મળ્યો છે. GI ટેગ થકી આ વૈશ્વિક ઓળખ મળ્યા બાદ, વર્ષોથી હાંસિયામાં ધકેલાઈ ગયેલી અને લુપ્ત થવાના આરે પહોંચેલી આ ઐતિહાસિક કળા ફરી એકવાર દેશ-વિદેશના ફેશન જગતમાં ભારે ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે.

જોકે, સમયના બદલાતા પ્રવાહ સાથે જે કળાનો વૈશ્વિક સ્તરે ડંકો વાગતો હતો, તેને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વૈશ્વિક અર્થતંત્ર ખોરવાઈ જતાં મોટો આંચકો લાગ્યો હતો. ત્યારબાદ કાપડ ઉદ્યોગમાં આધુનિક મશીનરી, સ્ક્રીન પ્રિન્ટિંગ અને મોટા લાકડાના બ્લોક્સની એન્ટ્રી થતાં, સૌદાગરીની સમય માંગી લેતી આ અતિ ઝીણી અને પરંપરાગત ડિઝાઇનો સ્પર્ધામાં પાછળ ધકેલાઈ ગઈ.
પરિણામે, 20 મી સદીના અંત સુધી આ કળા સાવ વિખરાઈ ગઈ અને જાણે સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ હતી. છીપા સમુદાયના જ શાકીર બંગલાવાલા અને ઈરીના બંગલાવાલા જેવા ગણ્યાગાંઠ્યા પરિવારોએ આ લુપ્ત થતી પરંપરાના મૂળિયાંને ગમે તેવા કપરા સંજોગોમાં પણ મજબૂતાઈથી સાચવી રાખ્યા હતા.

આજના આધુનિક યુગમાં મહિલા સશકતીકરણની વાતો બહુ સામાન્ય બની છે, પરંતુ અમદાવાદની છીપા કોમ્યુનિટીની મહિલાઓ તો વર્ષો પહેલાંથી જ મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહી છે. આ સમુદાયની મહિલાઓ પેઢીઓથી કોઈ પણ આડંબર વિના આ અઘરી પ્રિન્ટિંગ કળા સાથે જોડાઈને આત્મનિર્ભર બની છે અને પોતાના ઘરના આર્થિક સ્તંભ તરીકે યોગદાન આપતી આવી છે.
આ વિસરાઈ ગયેલા વારસાને ખરા અર્થમાં પુનર્જીવિત કરવાની સાથે, પોતાના પૂર્વજોના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખતી આ સંસ્થા દ્વારા અમદાવાદના સ્થાનિક વિસ્તારની 25 જેટલી જરૂરિયાતમંદ મહિલાઓને આ અઘરી બ્લોક પ્રિન્ટિંગ કળાની મફત તાલીમ આપીને આત્મનિર્ભર બનાવી છે. આજે આ મહિલાઓ ગૌરવપૂર્ણ આજીવિકા કમાઈને પોતાના પરિવારને આર્થિક ટેકો આપી રહી છે. આ ભગીરથ અને સરાહનીય પ્રયાસોને કારણે જ આ સંસ્થાને ગુજરાત સરકાર તરફથી પણ સન્માનિત પણ કરવામાં આવી છે.
ટેકનિકલ દ્રષ્ટિએ સૌદાગરી બ્લોક પ્રિન્ટિંગની સૌથી મોટી ખાસિયત તેની અતિ જટિલ ડિઝાઈન છે જે તેને સામાન્ય પ્રિન્ટિંગથી તદ્દન અલગ પાડે છે. સામાન્ય બ્લોક પ્રિન્ટિંગમાં મોટા લાકડાના બ્લોક્સ વાપરીને કાપડ ઝડપથી છાપી દેવાય છે, જ્યારે સૌદાગરીમાં શ્રી માણેકલાલ ગજ્જર જેવા પરંપરાગત બ્લોક મેકર્સ દ્વારા તૈયાર કરાતા માત્ર અઢી થી ત્રણ ઇંચના અત્યંત નાના અને ઝીણી નકશીવાળા લાકડાના બ્લોક્સનો જ ઉપયોગ થાય છે.
આ પ્રિન્ટિંગમાં મોર્ડન્ટ ડાઇંગ, રેઝિસ્ટ ડાઇંગ અને હેન્ડ પેઇન્ટિંગ જેવી અટપટી પ્રક્રિયાઓ થાય છે. આ કળામાં કાપડ પર પાકા અને આકર્ષક રંગો લાવવા માટે આમલીના બીજની પેસ્ટ, ગોળ, લોખંડનો કાટ, હળદર, દાડમની છાલ અને ફૂલો જેવા શુદ્ધ કુદરતી સ્ત્રોતોની પરંપરાગત પદ્ધતિ પણ અપનાવાય છે, જે પર્યાવરણ અને ત્વચા બંને માટે સો ટકા સુરક્ષિત અને બારેય માસ પહેરવા માટે અનુકૂળ રહે છે.
લુપ્ત થતી આ અમૂલ્ય કળાને આગળ લઈ જવા માટે હવે ગુજરાત સરકાર પણ ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી રહી છે. સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ હસ્તકની સંસ્થાઓ જેવી કે ‘ઇન્ડેક્સ-સી’ (Industrial Extension Cottage) અને ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમટેડ સંચાલિત ‘ગરવી ગુર્જરી’ દ્વારા આ કળા સાથે જોડાયેલા સ્થાનિક કારીગરોને મજબૂત પીઠબળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. વળી, ‘ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ’ના વિશેષ સહયોગથી આ મંડળીની મહિલા કારીગરોને આર્થિક રીતે સશક્ત બનાવવાની સાથે સાથે તેઓ આત્મનિર્ભર બને તે માટેની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
આ સરકારી સંસ્થાઓ દ્વારા રાજ્ય તેમજ દેશના વિવિધ મોટા શહેરોમાં યોજાતા પ્રદર્શનો, હસ્તકલા મેળાઓ અને સાંસ્કૃતિક ઉત્સવોમાં આ કારીગરોને વિનામૂલ્યે અથવા સબસિડીવાળા સ્ટોલ પૂરા પાડવામાં આવે છે. આ અનોખી વ્યવસાયિક તકોને કારણે વચેટીયાઓ નાબૂદ થયા છે અને કારીગરો સીધા ગ્રાહકો સાથે જોડાઈ શક્યા છે, જેનાથી તેમની પ્રોડક્ટ્સ વધુને વધુ લોકો સુધી પહોંચી રહી છે અને તેમના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
આજે આ ઐતિહાસિક જગ્યા અને કારીગરોની કાર્યશાળા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. વિશ્વના વિવિધ દેશોમાંથી આવેલા નામાંકિત ફેશન ડિઝાઇનર્સ, કલાવિવેચકો, રિસર્ચર્સ અને આર્ટિસ્ટ્સ ખાસ આ જગ્યાની રૂબરૂ મુલાકાત કરે છે અને ઝીણવટભરી બ્લોક પ્રિન્ટિંગની પ્રક્રિયા જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે. ગ્લોબલ પ્લેટફોર્મ પર આ કળાનો ડંકો વાગ્યા બાદ, પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival) ના રેડ કાર્પેટ પર પણ અહીંના કારીગરો દ્વારા તૈયાર કરાયેલા અદ્ભુત આઉટફિટ્સ અને બ્લોક પ્રિન્ટિંગની ભાત ધરાવતી ડિઝાઇન્સ વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બની ચૂકી છે, જે ભારતની આ પરંપરાગત હસ્તકલાને આંતરરાષ્ટ્રીય સ્તરે એક ગૌરવવંતું સ્થાન અપાવે છે.
આજે જી.આઈ. ટેગ અને મજબૂત સરકારી પ્રોત્સાહન મળ્યા બાદ આ કળાને નવું કાનૂની અને આર્થિક રક્ષણ મળ્યું છે, જેનાથી બજારમાં મળતી સસ્તી અને નકલી મશીન પ્રિન્ટની નકલખોરી સામે અસલી કારીગરોનું હિત સચવાશે. હાલમાં નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) જેવી ખ્યાતનામ સંસ્થાઓના યુવા ડિઝાઇનર્સ પણ આ પરંપરાગત કારીગરો સાથે ખભેખભો મિલાવીને આધુનિક ફેશન ટ્રેન્ડ મુજબ નવી ડિઝાઇન્સ વિકસાવી રહ્યા છે અને ફેશન શોના માધ્યમથી આ કળાને રેમ્પ પર લાવી રહ્યા છે.
ભૌગોલિક સંકેત મળ્યા પછી ભારતના મેટ્રો શહેરો અને મોલ્સ ઉપરાંત વૈશ્વિક બજારોમાં પણ આ ઇકો-ફ્રેન્ડલી હસ્તકલાની માંગ ખૂબ વધી રહી છે. છીપા કોમ્યુનિટીના આ કલાકારો સરકાર તથા સામાન્ય લોકોના સાથ, સહકાર અને અવિરત પ્રોત્સાહનથી આ કળાને વધુમાં વધુ ઉંચાઈઓ પર લઈ જવા માટે આજે પણ તનતોડ મહેનત કરી રહ્યા છે. ~ શ્રદ્ધા ટીકેશ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ
