Western Times News

Gujarati News

2005માં ખૂન કર્યુઃ 2014માં પેરોલ તોડી ભાગ્યોઃ 2026માં વોન્ટેડ આરોપી

2005માં પાડોશી સાથે ઝઘડો થતાં પોતાના ભાઈ અને મિત્રો સાથે ભેગા મળીને નરેન્દ્ર તામલે ઉર્ફે નન્નોની હત્યા કરી નાંખી હતી.

મુંબઈમાં કલાકાર તરીકે ઓળખ બનાવીને નાસતો ફરતો આજીવન કેદની સજાનો પાકો કેદી આખરે પોલીસના સકંજામાં આવી ગયો

‘જયેશભાઈ જોરદાર’નો ગુજરાતી એક્ટર હત્યાનો વોન્ટેડ આરોપી નીકળ્યો-૧૨ વર્ષ બાદ અમદાવાદમાંથી ઝડપાયો

મોટા પડદા પર બોલિવૂડની ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, જયેશભાઈ જોરદાર અને ‘૫૩મું પાનું’ જેવી ફિલ્મોમાં રણવીર સિંહ, આમિર ખાન અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું.

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા શાતિર ગુનેગારની ધરપકડ કરી છે, જેની કહાની કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી જ રસપ્રદ છે. છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી મુંબઈમાં કલાકાર તરીકે ઓળખ બનાવીને નાસતો ફરતો આજીવન કેદની સજાનો પાકો કેદી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. ઘી કાંટા મેટ્રો સ્ટેશન પાસેથી ઝડપાયેલા હેમંત મોદી નામના ગુજરાતી કલાકારની અસલી ઓળખ સામે આવતાં ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.

મળતી માહિતી અનુસાર, આ સમગ્ર ગુનાઈત મામલાની શરૂઆત વર્ષ ૨૦૦૫માં થઈ હતી, જ્યારે હેમંત મોદીએ અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ઘાતકી હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો.

12 જૂન 2005ના રોજ પોતાના પાડોશી સાથે ઝઘડો થતાં પોતાના ભાઈ અને મિત્રો સાથે ભેગા મળીને નરેન્દ્ર તામલે ઉર્ફે નન્નોની હત્યા કરી નાંખી હતી. હેમંત મોદી પોતે વકીલ હતો. જેથી પોતાનો અને સાથે પકડાયેલા સાતેય લોકોનો કેસ તે જ લડ્યો હતો. જોકે, વર્ષ 2008માં કોર્ટે હેમંત મોદી સહિત સાતેય જણાને આજીવન કેદની સજા કરી હતી.

આ મામલે કોર્ટે તેને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારતા તેને મહેસાણા જેલમાં મોકલી અપાયો હતો. જેલવાસ દરમિયાન માનસિક રીતે તૂટી ગયેલા હેમંતે પોતાની પત્ની સાથે છૂટાછેડા પણ લઈ લીધા હતા, કારણ કે તેને લાગતું હતું કે હવે તેની આખી જિંદગી જેલના સળિયા પાછળ જ પૂરી થઈ જશે. જો કે, વર્ષ ૨૦૧૪માં તેને કોર્ટ તરફથી પેરોલ મળ્યા હતા. જેલની બહાર આવતાં જ તેણે પાછા ફરવાને બદલે કાયમ માટે ગાયબ થઈ જવાનો પ્લાન બનાવી લીધો હતો.

પેરોલ જમ્પ બાદ તે પહેલા પાટણ ખાતે રહ્યો હતો. ત્યાંથી અલગ અલગ પીજીમાં રહ્યો હતો. શરૂઆતમાં કોઈ કંપનીમાં નોકરી કરી હતી. જે બાદ મુંબઈ જતો રહ્યો. તે ટ્વિન્કલ મુકુંદભાઈ દવેના નામથી જ ઓળખ આપતો હતો. મુંબઈમાં તેને થોડી સ્ટ્રગલ કરી અને જે બાદ જાણીતા એક્ટર સાથે સાઇડ રોલ મળવા લાગ્યા હતા, નાટકોમાં કામ મળવા લાગ્યું. આ દરમિયાન એણે પોતાનું નામ સ્વપ્નિલ મોદી રાખ્યું હતું.

નવાઈની વાત એ છે કે, જે પોલીસ રેકોર્ડમાં તે એક મોટો વોન્ટેડ ગુનેગાર હતો, તે જ સમયે તે મોટા પડદા પર બોલિવૂડની ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, જયેશભાઈ જોરદાર અને ‘૫૩મું પાનું’ જેવી ફિલ્મોમાં રણવીર સિંહ, આમિર ખાન અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું.

આ ઉપરાંત અનેક હિન્દી સીરિયલો અને નાટકોમાં પણ નાની-મોટી ભૂમિકાઓ કરી. આશ્ચર્યની વાત એ છે કે, આ દરમિયાન તેણે ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું, પરંતુ કોઈને અણસાર સુદ્ધા ના આવ્યો કે, આ શખસ ગંભીર ગુનામાં ફરાર ગુનેગાર છે.

લાંબા સમયથી ગુમ થયેલો આ પાકો કેદી અમદાવાદમાં જ ક્યાંક છુપાયો હોવાની અને કોઈને મળવા આવવાનો હોવાની ચોક્કસ બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. આ માહિતીના આધારે પોલીસે ટેેક્નિકલ સર્વેઇલન્સ ગોઠવ્યું અને તેના જૂના સંપર્કોની કડીઓ જોડીને વોચ રાખવાનું શરૂ કર્યું હતું.

આખરે ઘી કાંટા મેટ્રો સ્ટેશન નજીક ક્રાઈમ બ્રાન્ચે ગોઠવેલી જાળમાં હેમંત મોદી આબાદ ફસાઈ ગયો હતો. તે ઝડપાયો ત્યારે પણ તેણે ‘અભિનય કળા’ના જોરે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, આ કારીગરી ચાલી નહીં અને તેણે પોલીસ સમક્ષ તમામ કબૂલાત કરી લીધી. હવે પોલીસે તેને ફરી જેલ ભેગો કરવાની તજવીજ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.