આગામી મહિને કેન્દ્ર સરકારમાં મંત્રી મંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા
File Photo
મંત્રીઓની કામગીરીની સમીક્ષા કરાઈ- નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસ પરથી ભારત પરત ફરતાની સાથે જ એક અત્યંત મહત્વપૂર્ણ અને હાઈ-લેવલ બેઠક બોલાવી હતી.
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વિદેશ પ્રવાસ ( G7 શિખર સંમેલન) પરથી પરત ફરતાની સાથે જ દિલ્હીમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ મંત્રી પરિષદની બેઠક બોલાવી હતી જેમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ સહિત તમામ મંત્રીઓ હાજર રહયા છે આ બેઠકને લઈ મોડી સાંજથી જ રાજકીય ગરમાવો જોવા મળી રહયો હતો.
આ બેઠકમાં વિદેશ પ્રવાસની ફળશ્રુતિ ઉપરાંત વર્તમાન યુદ્ધની સ્થિતિમાં ઈંધણની બચત સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે. આ ઉપરાંત આગામી સમયમાં પંજાબ, ઉત્તરપ્રદેશ સહિત ૭ રાજયોની વિધાનસભાની ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ સૂચનો મેળવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સરકારે અત્યાર સુધી કરેલી કામગીરી અને મહત્વના પ્રોજેકટો અંગેની માહિતી પ્રજા સુધી પહોંચાડવા તથા તમામ મંત્રીઓની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે. આગામી મહિને કેન્દ્રીય મંત્રી મંડળમાં મોટાપાયે ફેરફાર થવાની શક્યતા છે. જોકે આ બેઠક અંગે ભારે ગુપ્તતા જાળવી રાખવામાં આવી હતી તેથી સત્તાવાર રીતે કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વિદેશ પ્રવાસ પરથી ભારત પરત ફરતાની સાથે જ એક અત્યંત મહત્વપૂર્ણ અને હાઈ-લેવલ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કેબિનેટ કક્ષાના તમામ વરિષ્ઠ મંત્રીઓથી લઈને તમામ જુનિયર (રાજ્યકક્ષાના) મંત્રીઓ પણ ફરજિયાતપણે સામેલ થવાના હતા
અચાનક તમામ મંત્રીઓને આગામી દિવસોમાં દિલ્હીની બહાર ન જવા અને રાજધાનીમાં જ ટકેલા રહેવાનો આદેશ મળતાં આ મીટિંગને લઈને સસ્પેન્સ અને ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી હતી. વૈશ્વિક અને આંતરિક પરિસ્થિતિઓને જોતા આ બેઠકમાં દેશની સુરક્ષા અને આર્થિક સ્થિતિ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પાસાઓ પર મંત્રીઓ સમક્ષ વિસ્તૃત વિગતો રાખવામાં આવશે.
આ બેઠકનો સૌથી મોટો એજન્ડા અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ અને હોર્મુઝની ખાડીનું સંકટ છે. સરકાર સતત એ વાત પર નજર રાખી રહી છે કે આ યુદ્ધ જેવી સ્થિતિની ભારતમાં કાચા તેલની કિંમતો, વૈશ્વિક સપ્લાય ચેઈન અને સ્થાનિક મોંઘવારી પર શું અસર પડશે.
પીએમ મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહની આગેવાનીમાં એક હાઈ-પાવર ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને હરદીપ સિંહ પુરી સામેલ છે, જેઓ ૨૪ કલાક સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જો કે, રક્ષામંત્રીએ દેશને ભરોસો આપ્યો છે કે ભારતમાં ક્રૂડ અને એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી ગભરાવાની જરૂર નથી.
રાજકીય ગલિયારાઓમાં સૌથી મોટી ચર્ચા એ વાતની છે કે આગામી ૧૦ જૂને મોદી સરકાર ૩.૦ ના શાસનનું એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ પૂર્વે જૂનના બીજા સપ્તાહમાં કેબિનેટમાં બહુ મોટો ફેરબદલ અથવા વિસ્તરણ જોવા મળી શકે છે. અનેક મંત્રીઓના વિભાગો બદલાય તેવી પ્રબળ શક્યતા છે. આથી, ગુરુવારે યોજાનારી આ હાઈ-લેવલ બેઠકને આગામી કેબિનેટ વિસ્તરણની પૂર્વતૈયારી અને મંત્રીઓના રિપોર્ટ કાર્ડની સમીક્ષા સાથે જોડીને જોવામાં આવી રહી છે.
