સોલિટેર બિઝનેસ પાર્કમાં ભીષણ આગ, મ્યુનિ. ફાયર ટીમે 100થી વધુ લોકોને સલામત બહાર કાઢ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલા સોલિટેર બિઝનેસ પાર્કમાં આગ લાગવાની ગંભીર ઘટના સર્જાઈ હતી. S.G. હાઇવે પર આવેલી આ કોમર્શિયલ બિલ્ડિંગના ચોથા માળેથી શરૂ થયેલી આગ થોડા જ સમયમાં પાંચમા અને છઠ્ઠા માળ સુધી ફેલાઈ ગઈ હતી. જોકે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસની ટીમે ઝડપી કામગીરી કરતા મોટી દુર્ઘટના ટળી હતી.
પ્રાથમિક માહિતી મુજબ સોલિટેર બિઝનેસ પાર્કના ચોથા માળે આગ લાગ્યા બાદ ધુમાડો અને આગ ઉપરના પાંચમા તથા છઠ્ઠા માળ સુધી પ્રસરી ગયા હતા. ઘટનાસ્થળે ભારે ધુમાડાના કારણે બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા 102 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે 50થી વધુ લોકોનો રેસ્ક્યુ ઓપરેશન દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો.
રેસ્ક્યુ કામગીરી દરમિયાન એક વ્યક્તિ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. ફાયર વિભાગના સ્ટાફે સ્થળ પર જ સમયસર CPR આપી જીવ બચાવ્યો હતો. ત્યારબાદ, વધુ સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે, જ્યારે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બિલ્ડિંગની ફાયર સેફ્ટી સિસ્ટમ કાર્યરત હાલતમાં હતી, જેના કારણે પ્રાથમિક તબક્કામાં આગ પર નિયંત્રણ મેળવવામાં મદદ મળી હતી અને ફાયર ફાઇટિંગ કામગીરી વધુ અસરકારક બની હતી.
આ આગની ઘટનામાં AMC ફાયર વિભાગ દ્વારા કુલ 24 વાહનો તૈનાત કરવામાં આવ્યા હતા. તેમાં 1 મિનિ ફાયર ફાઇટર, 2 વોટર બાઉઝર (10 KL), 5 વોટર બાઉઝર (20 KL), 1 HPL, 1 બૂમ બાઉઝર (12 KL), 5 એમ્બ્યુલન્સ, 1 EMT અને 8 ફર્સ્ટ રિસ્પોન્ડર બોલેરો વાહનોનો સમાવેશ થાય છે.ઓપરેશન દરમિયાન 26 ડ્રાયવર સહિત વિવિધ સ્તરના અધિકારીઓ અને સ્ટાફે કામગીરી સંભાળી હતી. તેમાં 58 ફાયરમેન, 2 સબ ઓફિસર, 2 સ્ટેશન ઓફિસર, 3 ડિવિઝનલ ફાયર ઓફિસર, 1 ડેપ્યુટી CFO, 2 એડિશનલ CFO તથા 1 CFO અને 7 જમાદારનો સમાવેશ થાય છે.
