Western Times News

Gujarati News

હિન્દીમાં મૌલિક પુસ્તક લેખન અને અનુવાદને પ્રોત્સાહન આપશે રાજભાષા ગૌરવ પુરસ્કાર યોજના

ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ‘રાજભાષા ગૌરવ પુરસ્કાર યોજના’હેઠળ ૫ શ્રેણીમાં પુરસ્કાર આપવામાં આવશે

તકનીકી, વિજ્ઞાન, કાયદો, સંસ્કૃતિ અને ધરોહર જેવા વિષયો પર હિન્દી સાહિત્ય સમૃદ્ધ થશે

ભારત સરકારના ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગ દ્વારા સરકારી કામકાજમાં હિન્દી ભાષાના પ્રયોગને વેગ આપવા અને જ્ઞાન-વિજ્ઞાનના વિવિધ વિષયો પર હિન્દીમાં મૌલિક લેખનને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ ૨૦૨૫-૨૬થી સંશોધિત “રાજભાષા ગૌરવ પુરસ્કાર યોજના” લાગુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ભારતના નાગરિકો પાસેથી વિવિધ વિષયો પર હિન્દીમાં લખાયેલા મૌલિક પુસ્તકો તેમજ અન્ય ભારતીય ભાષાઓ/અંગ્રેજીમાંથી હિન્દીમાં કરાયેલા શ્રેષ્ઠ અનુવાદોની કૃતિઓ આવકાર્ય છે.

કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો, વિભાગો અને બેંકો વગેરેમાં તકનીકી, વિજ્ઞાન, કાયદો, સંસ્કૃતિ અને ધરોહર જેવા વિષયો પર હિન્દી પુસ્તકો વધુ ઉપલબ્ધ બને તથા આ વિષયો પર હિન્દી સાહિત્ય સમૃદ્ધ કરવા, બિન-હિન્દી ભાષી વિસ્તારોના લેખકોને પ્રોત્સાહિત કરવા અને ભારતીય ભાષાઓ વચ્ચે સમન્વય વધારવા માટે આ યોજના શરૂ કરાઈ છે.

આ યોજના હેઠળ મુખ્યત્વે નીચેની પાંચ શ્રેણીઓમાં પુરસ્કાર આપવામાં આવશે: (૧)વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્ર (શ્રેણી ‘ક’): ઇજનેરી (Engineering), ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ઉર્જા, અવકાશ વિજ્ઞાન, તબીબી વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, માહિતી તકનીકી, સંચાલન (Management), મનોવિજ્ઞાન તેમજ સમકાલીન વિષયો જેવા કે ઉદારીકરણ, વૈશ્વિકીકરણ, ગ્રાહકવાદ, માનવાધિકાર, પ્રદૂષણ અને પર્યાવરણ. (૨)કાયદો અને

સુરક્ષા ક્ષેત્ર (શ્રેણી ‘ખ’): કાયદો (Law), પોલીસ સંશોધન, ફોરેન્સિક સાયન્સ, ક્રિમિનોલોજી (અપરાધશાસ્ત્ર) અને પોલીસ વહીવટ(૩)સંસ્કૃતિ અને કળા ક્ષેત્ર (શ્રેણી ‘ગ’): સંસ્કૃતિ, ધર્મ, કળા અને ધરોહર (Heritage). ‘ગ’ ક્ષેત્રના લેખકો માટે વિશેષ પુરસ્કાર (૪)શ્રેણી ‘घ’: પૂર્વોત્તરના ૮ રાજ્યો, ગુજરાત સિવાયના દક્ષિણ અને અન્ય રાજ્યો જેવા કે કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગોવા, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, પશ્ચિમ બંગાળ વગેરે

ક્ષેત્રના લેખકો (જેમની માતૃભાષા હિન્દી નથી) દ્વારા લખાયેલા પુસ્તકો. (૫)અનુવાદિત પુસ્તકો માટે પુરસ્કાર (શ્રેણી ‘ङ’): અંગ્રેજી અથવા અન્ય માન્ય ભારતીય ભાષાઓમાંથી હિન્દીમાં અનુવાદિત કરાયેલા કાલજયી (Classics) સાહિત્ય, સંસ્કૃતિ, કળા અને ધરોહર સંબંધિત શ્રેષ્ઠ પુસ્તકોને પુરસ્કાર આપવામાં આવશે.

આ યોજના હેઠળ શ્રેણી ‘ક’ માટે: પ્રથમ પુરસ્કાર ₹૨,૦૦,૦૦૦/-, દ્વિતીય પુરસ્કાર ₹૧,૨૫,૦૦૦/-, તૃતીય પુરસ્કાર ₹૭૫,૦૦૦/- અને ₹૪૦,૦૦૦/- ના ત્રણ પ્રોત્સાહક પુરસ્કારો આપવામાં આવશે. શ્રેણી ‘ખ’, ‘ગ’, ‘ઘ’ અને ‘ङ’ માટે: દરેક શ્રેણીમાં પ્રથમ પુરસ્કાર ₹૧,૫૦,૦૦૦/-, દ્વિતીય પુરસ્કાર ₹૧,૦૦,૦૦૦/- અને ₹૪૦,૦૦૦/- ના બે પ્રોત્સાહક પુરસ્કારો, પ્રમાણપત્ર તેમજ સ્મૃતિચિહ્ન સાથે એનાયત કરાશે.

યોજનાનો લાભ લેવા માટે પુસ્તકના લેખક/સહ-લેખક અથવા અનુવાદક ભારતના નાગરિક હોવા અનિવાર્ય છે. પુસ્તક નિર્ધારિત વર્ષ દરમિયાન ૧ જાન્યુઆરીથી ૩૧ ડિસેમ્બર વચ્ચે પ્રકાશિત થયેલું હોવું જોઈએ અને તે ઓછામાં ઓછું ૧૦૦ પૃષ્ઠનું હોવું જરૂરી છે.

પુસ્તક આઇએસબીએન (ISBN) ધરાવતું હોવું જોઈએ. પુસ્તકની વિષયવસ્તુ સમીક્ષાત્મક અને વિશ્લેષણાત્મક હોવી જોઈએ. પીએચ.ડી.ના સંશોધન પત્રો, કવિતા, નવલકથા, વાર્તા, નાટક, આત્મકથા કે પાઠ્યપુસ્તકો આ યોજના માટે પાત્ર ગણાશે નહીં. અગાઉ કોઈપણ સરકારી સંસ્થા દ્વારા પુરસ્કૃત પુસ્તકો આ યોજનામાં ભાગ લઈ શકશે નહીં.

ઇચ્છુક લેખકો અને અનુવાદકોએ રાજભાષા વિભાગ દ્વારા નિર્ધારિત અરજી પત્રક (ફોર્મ) ભરીને પુસ્તકની ચાર નકલો સાથે નિયત સમયમર્યાદામાં રાજભાષા વિભાગને મોકલી આપવાની રહેશે. એક લેખક/અનુવાદક માત્ર એક જ પ્રવિષ્ટિ મોકલી શકે છે. વધુ વિગતો અને અરજી ફોર્મ રાજભાષા વિભાગની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.