મમતાની પાર્ટીના ૧૨ જેટલા સાંસદો BJPમાં જોડાય તેવી સંભાવના
કોલકાત્તા, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ, તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધુ ઘેરો બન્યો છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, લોકસભામાં તૃણમૂલના કેટલાક સાંસદો ભાજપ સાથે સીધા સંપર્કમાં છે, અને તેમાંથી એક મહત્વપૂર્ણ ૧૨ સાંસદોનુ જૂથ ટૂંક સમયમાં તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી છોડી શકે છે.
BJP claims around 20 TMC MPs are willing to JOIN if the party’s central leadership gives approval.
સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભામાં તૃણમૂલના કુલ ૨૯ સાંસદોમાંથી, લગભગ ૧૨ સાંસદોએ ભાજપમાં જોડાવા અથવા તેમને ટેકો આપવા માટે યોજનાઓ બનાવી લીધી છે. વધુમાં, અન્ય પાંચ કે છ સાંસદો સાથે ચર્ચા ચાલી રહી હોવાના રાજકીય વર્તુળોમાં અહેવાલ ચર્ચાઈ રહ્યો છે.
ટીએમસીના આ સાંસદોને પક્ષપલટો કરીને ભાજપમાં જોડાય તો પક્ષપલટા વિરોધી કાયદાનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. આથી એક એવા અહેવાલ સામે આવ્યા છે કે, પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈઓને ટાળવા માટે ઓછામાં ઓછા ટીએમસીના ૧૯ થી ૨૦ સાંસદોને એકસાથે લાવવાની રણનીતિ ઘડાઈ રહી છે. આથી જ જે ૧૨ સાંસદો ભાજપમાં જોડાઈ જવા ઉત્સુક છે તેઓ જ બીજા સાંસદોને ટીએમસી છોડીને ભાજપમાં જોડાઈ જવા સમજાવી રહ્યાં છે.
જો એક તબક્કે પક્ષપલટો કરનારા સાંસદોની સંખ્યા ઓછી હશે તો તેઓ હાલમાં નહીં, પરતુ લોકસભાની ચૂંટણી ટાણે ટીએમસીમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાઈ જશે.રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી વાત અનુસાર, આ જૂથમાં પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીના નજીકના વિશ્વાસુ ગણાતા ઘણા સાંસદોનો સમાવેશ થાય છે.
એક અહેવાલ એવા પણ છે કે, મમતા બેનર્જીના ભત્રીજા અને પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પણ પક્ષપલટો કરવાના મૂડમાં છે. જો કે, આ વાતને હજુ સુધી સમર્થન મળ્યું નથી. જો આમ શક્્ય થશે તો, આ પોલીટીકલી ડેવલપમેન્ટને ભાજપ માટે રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
હાલમાં, ભાજપ લોકસભામાં ૨૪૦ બેઠકો ધરાવે છે, અને સરકાર તેના ગઠબંધન ભાગીદારોના સમર્થનથી કાર્યરત છે. પરિણામે, જો મોટી સંખ્યામાં તૃણમૂલ સાંસદો ભાજપ સાથે જોડાણ કરે છે, તો પક્ષની સંસદીય શક્તિ નોંધપાત્ર રીતે વધશે, જેનાથી તેના સાથી પક્ષો પર તેની નિર્ભરતા ઓછી થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભા પર ધ્યાન કેન્દ્રિત કર્યા પછી, ભાજપે હવે રાજ્યસભામાં તૃણમૂલ સાંસદો પર પણ નજર રાખી છે. ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટીની ભૂમિકા અને સંગઠનાત્મક શૈલી અંગે તૃણમૂલ કોંગ્રેસમાં અસંતોષ વધી રહ્યો હોવાની પણ ચર્ચા છે. જો કે, આમાંથી કોઈ પણ દાવાને હજુ સુધી કોઈપણ પક્ષ તરફથી સત્તાવાર પુષ્ટિ મળી નથી. આ તમામ વાતો હાલ તો જો અને તો ના અહેવાલથી સામે આવી રહી છે.
