અમેરિકાએ મુસ્લિમ દેશોને પણ ઈઝરાયલ સાથે સંબંધો સુધારવા માટે ‘અબ્રાહમ અકોર્ડ’ કરાર પર સહી કરવા માટે દબાણ કર્યું
પાકિસ્તાને અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પની આ ઓફર ફગાવીઃ શું પરિણામ આવશે હવે?
ઈઝરાયલ સાથેના સંબંધને લઈને પાકિસ્તાને ટ્રમ્પની અબ્રાહમ એકોર્ડ ઓફર ફગાવી
નવી દિલ્હી, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને ઈઝરાયલ સાથે દોસ્તી કરવા માટે એક ખાસ વિનંતી કરી હતી, જેને પાકિસ્તાને સાફ શબ્દોમાં ઠુકરાવી દીધી છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે સ્પષ્ટ કર્યું છે કે, અમારું વલણ પહેલેથી જ નક્કી છે અને અમને ઈઝરાયલ સાથે કોઈ પણ કિંમતે દોસ્તી મંજૂર નથી.
નોંધનીય છે કે, ટ્રમ્પે પાકિસ્તાન ઉપરાંત સાઉદી અરેબિયા અને કતાર જેવા મુસ્લિમ દેશોને પણ ઈઝરાયલ સાથે સંબંધો સુધારવા માટે ‘અબ્રાહમ અકોર્ડ’ કરાર પર સહી કરવા માટે દબાણ કર્યું હતું.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સામે એક એવી શરત મૂકી છે, જેને સ્વીકારવી તેના માટે જરાય સરળ નથી. પરમાણુ શક્તિ ધરાવતું પાકિસ્તાન દુનિયાભરમાં ઈઝરાયલના સૌથી કટ્ટર વિરોધી દેશોમાં ગણાય છે.
ટ્રમ્પે પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશોને ‘અબ્રાહમ અકોર્ડ’માં જોડાઈને ઈઝરાયલ સાથે કૂટનીતિક સંબંધો શરૂ કરવા આગ્રહ કર્યો હતો. જોકે, આ અંગે જ્યારે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને પૂછવામાં આવ્યું કે શું તેઓ ટ્રમ્પના કહ્યા પછી આ કરાર પર સહી કરશે? ત્યારે તેમણે ચોખ્ખો જવાબ આપતા કહ્યું કે, વ્યક્તિગત રીતે મને નથી લાગતું કે આપણે કોઈ એવા કરારમાં સામેલ થવું જોઈએ જે આપણા મૂળભૂત સિદ્ધાંતો અને નિયમોની વિરુદ્ધ હોય.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, આ મામલે અમારી તરફથી કોઈ નવી પહેલ કરવામાં આવી નથી, અને ન તો અમારા પર કોઈનું દબાણ છે; અમારું વલણ આ બાબતે બિલકુલ સાફ છે.
