Western Times News

Gujarati News

અમદાવાદને ગ્લોબલ લેવલ પર વધુ વિકસિત બનાવવું એ જ મુખ્ય ઉદ્દેશ: અમદાવાદ મેયર

મહાનગરપાલિકા હસ્તકના જે કોઈ પણ આંતરમાળખાકીય કામો કરવાના આવશે, તેને હું સમયમર્યાદામાં શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરાવીશઃ હિતેષ બારોટ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના નવા મેયર તરીકે નિયુક્ત થયા બાદ હિતેશ બારોટે શહેરના વિકાસ, ટ્રાફિકની ગંભીર સમસ્યા, ચોમાસાની પૂર્વતૈયારીઓ અને ભવિષ્યના મેગા પ્રોજેક્ટ્‌સને લઈને એક ખાસ વાતચીત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ‘અમદાવાદ દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે અને તેને ગ્લોબલ લેવલ પર વધુ વિકસિત બનાવવું એ જ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે.’

આ ઉપરાંત આગામી સમયમાં અમદાવાદ ખાતે આયોજિત થનારી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓને લઈને પણ તેમણે સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો. અમદાવાદના નવા મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે, ‘અમદાવાદ શહેરના દરેક નાગરિકની જે કોઈ પાયાની જરૂરિયાત છે, તે પૂરી કરવી એ મારી સૌથી પહેલી પ્રાથમિકતા રહેશે.

આપણું અમદાવાદ પહેલેથી જ અગ્રેસર છે, પરંતુ તેને દેશનું સૌથી વધુ વિકસિત અને સુવિધાજનક શહેર બનાવવા માટે હું અને મારી ટીમ સતત પ્રયાસ કરીશું.’ ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સના આયોજન અંગે મેયર હિતેશ બારોટે જણાવ્યું હતુ કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઓલિમ્પિક જેવી વૈશ્વિક સ્તરની રમતોનું જે આયોજન કરવામાં આવ્યું છે અને તેનો યજમાન બનવાનો મોકો અમદાવાદને મળ્યો છે, તે આપણા સૌ માટે અહોભાગ્યની વાત છે.

આ ઐતિહાસિક સમયગાળાની અંદર મહાનગરપાલિકા હસ્તકના જે કોઈ પણ આંતરમાળખાકીય કામો કરવાના આવશે, તેને હું સમયમર્યાદામાં શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરાવીશ.’ પીક અવર્સમાં ટ્રાફિક અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ અંગે હિતેશ બારોટે જણાવ્યું હતું કે, ‘અમદાવાદની અંદર ટ્રાફિકની સમસ્યા વસ્તી અને વાહનોના અસાધારણ વધારાના કારણે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવનિયુક્ત મેયર શ્રી હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, દંડક શ્રી અતુલભાઈ મિશ્રા તથા પક્ષના નેતા શ્રી જશુભાઈ ઠાકોર જમાલપુર સ્થિત પવિત્ર જગન્નાથ મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

પહેલાં જ્યારે કોઈ નવી સ્કીમ બનતી ત્યારે લોકો સ્કૂટર લઈને મકાન જોવા જતા હતા, પણ આજે સ્થિતિ બદલાઈ છે. આજે અમદાવાદ એટલું આર્થિક રીતે સક્ષમ અને વિકસિત બન્યું છે કે હરેક ઘરમાં ત્રણથી ચાર વાહનો થઈ ગયા છે! શહેર જે ઝડપે ફેલાઈ રહ્યું છે તે જોતા ટ્રાફિક અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિવારણ માટે પોલીસ અને મહાનગરપાલિકા વચ્ચે સંકલન સાધીને વર્તમાન વ્યવસ્થાને વધુ સુધારીશ અને સુદ્રઢ બનાવીશ.

અમદાવાદના નવા મેયર હિતેશ બારોટઃ ‘કોર્પોરેશનમાં કોઈ કામ ક્યારેય બાકી રહેતું નથી, વિકાસકામો તો એક અવિરત ચાલતી પ્રક્રિયા છે. સમય પ્રમાણે દરેક વસ્તુ નવી જ કરવાની હોય છે.

જનતાની અપેક્ષાઓ રોજ બદલાતી હોય છે, તેથી હું દરેક નાગરિકને તેમની રોજિંદી જરૂરિયાત પ્રમાણેના તમામ સ્માર્ટ કામો સમયસર આપવાનો પૂરો પ્રયાસ કરીશ.’ મ્યુનિસિપલ કોપોરશનમાં મેયર પદ માટે હીતેશ બારોટ ઉપરાંત ધરમશી દેસાઈ, જશુભાઈ ઠાકોર અને રાજુ ઠાકોરના નામ ચર્ચામાં હતું. ગત ટર્મમા મેયર શાહીબાગ વોર્ડમાંથી હતા. આ કારણથી આ વખતે ફરીથી મેયર પદે મધ્યઝોનના કોર્પોરેટરની પસંદગી થવાની શકયતા નહીવત્ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.